ટ્રક બેફામ બનતા પાંચ નિર્દોષ પશુઓના જીવ લેવાયા
સુરતઃ વાહનચાલકો બેફામ વાહનો ચલાવી જેમ લોકોને મોતને ઘાટ ઉતારે છે તેમ પશુઓનો પણ જીવ લેવાય છે. દિવસેદહાડે ઘણા પશુઓ એક્સિડેન્ટમાં માર્યા જાય છે. જિલ્લામાં ટ્રક ચાલકો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના ઘટી છે. એક ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક ચલાવી સિયાલજ પાસે રોડ ક્રોસ કરતા પશુઓને અટફેટે લીધા હતાં. જેમાં પાંચ પશુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાની ઘટના ઘટી છે.
સુરતના માગરોળ તાલુકાના સિયાલજ નજીક નેશનલ હાઈવે ન. 48 પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ ક્રોસ કરી રહેલા પશુઓને ટ્રકે અટફેટે લેતા પાંચ પશુઓના મોત થયા હતા આ દરમિયાન એક કાર પણ અટફેટે આવી હતી. જેના કારણે કારને નુકસાન પહોંચ્યુ છે. કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સુરતના અલથાણ વિસ્તારમાં ઓડી કારના ચાલકે ચાર લોકો પર કાર ચઢાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે કાર એટલી સ્પીડમાં હતી કે,તેણે રોડની સાઈડ પર બેઠેલા ચાર લોકોને અડફેટે લીધા હતા, ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી હતી.