
સુરત: સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટમાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા.
Also read : અસાંજો કચ્છઃ ભુજના વાતાવરણમાં ‘ધરખમ’ ફેરફારઃ કાચી કેરીનું આગમન
ગૂંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત
આગની આ ઘટનામાં ધુમાડામાં ગૂંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ફાયર વિભાગે 50 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. વેન્ટીલેશન ન હોવાથી ફાયર વિભાગે બારીઓ તોડી હતી.
આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ
આ ભયાનક આગ અંગે ફાયરના અધિકારી કિષ્ના મોઢે જણાવ્યું હતું કે, બેઝમેન્ટની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જણાઈ રહ્યું છે. આગ લાગી ત્યારે 50થી વધુ લોકો બેઝમેન્ટમાં હતા. દુકાનના માલિકો અને ગ્રાહકો, વેપારીઓ આગ લાગતાની સાથે જ પોતાની રીતે બહાર દોડી આવ્યા હતા. કેટલાકને અમે મદદ કરીને બહાર લઈ આવ્યા હતા.
Also read : ગુજરાતમાં શિક્ષણ સેવા વર્ગ-1, 2 કેટલી જગ્યાઓ ખાલી છે? જાણો વિધાનસભામાં સરકારે શું કહ્યું
24 કલાકમાં આગની ત્રીજી ઘટના
આગ અંદર પ્રસરી ગઈ હતી. જોકે, આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે. 20થી 25 જેટલી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગને કાબૂમાં કરવા માટે જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા 24 કલાકમાં આગની 3 ઘટના બની હતી.