સુરતઃ કારમાંથી મહિલા આરઆફઓ લોહીલુહાણ હાલતમાં મળ્યા, સીટી સ્કેનમાં સામે આવી ચોંકાવનારી વિગત

સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. કારમાં તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. આરએફઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન કરતાં તેમના માથામાં ગોળી હોવાનું સામે આવ્યું હતું.
મળતી વિગત પ્રમાણે, કામરેજના જોખા ગામે રહેતા સોનલબેન સોલંકી સુરત વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેણે 2020માં સુરત ખાતે આરટીઓ ઓફિસર તરીકે ફરજ બજાવતાં નિકુંજ ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા એકાદ વર્ષથી બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. જેના કારણે આરએફઓ માતા-પિતા અને ભાઈ સાથે રહેતા હતા.
તાજેતરમાં તેઓ તેમની પર્સનલ કારની સફાઈ કરતા હતા ત્યારે પાછળના ભાગેથી જીપીએસ ચાલુ હાલતમાં મળ્યું હતું. જે અંગે તેમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુરુવારે સવારે સોનલ સોલંકી તેમના ચાર વર્ષના પુત્ર સાથે કામરેજ જવા નીકળ્યા હતા. આ સમયે જોખાથી કામરેજ જતાં રોડ પર ફાયરિંગ થતાં માથાના ભાગે ગોળી વાગી હતી અને તેમણે કારનું સંતુલન ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી.
પોલીસે આ મામલે હાલ પરિવારજનોની પૂછપરછ કરીને બનાવનું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મહિલા આરએફઓને ગોળી વાગ્યાની ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની હતી.



