સુરત

ગુજરાતના પિતા-પુત્રીની જોડી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ

બારડોલી: બારડોલીના કડોદના એક પિતા-પુત્રીની જોડી નેપાળના માનંગ જિલ્લાના અન્નપૂર્ણા પર્વત-3 પર ટ્રેકિંગ કરતી વખતે ગુમ થઈ હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. 10 દિવસમાં પાછા ફરવાની યોજના હોવા છતાં, બે અઠવાડિયાથી વધુ સમય સુધી તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી, જેના કારણે પરિવારે કડોદ આઉટપોસ્ટ પોલીસને આ બાબતની જાણ કરી હતી.

અહેવાલો અનુસાર જીગ્નેશ લલ્લુભાઈ પટેલ અને તેમની પુત્રી પ્રિયદર્શિની 14 ઓક્ટોબરના રોજ કડોદથી સુરત ગયા હતા. સુરતથી તેઓ 16 ઓક્ટોબરે ટ્રેન દ્વારા ગોરખપુર પહોંચ્યા હતા, 17 ઓક્ટોબરે સુનોલી સરહદ પાર કરી અને કાઠમંડુ પહોંચ્યા હતા. 18 ઓક્ટોબરે, તેઓ બસેર બસમાં મુસાફરી કરી અને પછી માનંગ ગયા. બે દિવસ હોટલમાં રહ્યા પછી, તેમણે 21 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યે અન્નપૂર્ણા પર્વત-3 પર ટ્રેકિંગ શરૂ કર્યું હતું, તેવી માહિતી મળી હતી.

ટ્રેકિંગ શરૂ કરતા પહેલા જીગ્નેશભાઈએ તેમની પત્ની જાગૃતિબેનને જાણ કરી હતી કે તેઓ 10 દિવસમાં પાછા ફરશે. તેઓ ૩૦ કે ૩૧ ઓક્ટોબરે પાછા ફરવાની અપેક્ષા હતી, પરંતુ ૨૬ ઓક્ટોબરથી ૨ નવેમ્બર દરમિયાન મનાંગ અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેના કારણે તેઓ પાછા ફર્યા ન હતા અને સંપર્ક અશક્ય બન્યો હતો. તેમના પતિ અને પુત્રીનો સંપર્ક ન થઈ શકતા, જાગૃતિબેને કડોદ આઉટપોસ્ટ પોલીસને આ બાબતની જાણ કરી હતી.

કડોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી જેમણે હવે પિતા-પુત્રીનો સંપર્ક કરવાની અને તેમને હેમખેમ પાછા લાવવાની તજવીજ હાથ ધરી છે. આ લખાય છે ત્યાં સુધી પિતા-પુત્રીનો સંપર્ક થઈ શક્યો નથી. હજુ અહીં બરફવર્ષા થતી હોવાથી તંત્ર પોતાન રીતે પ્રયત્નો કરી રહ્યું હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button