સુરતમાં પરિણીત દીકરીની આત્મહત્યા બાદ પરિવારજનોનો હંગામોઃ નણંદને પોલીસ વાનમાંથી ખેંચીને ઢોર માર મારી, કપડાં ફાડ્યાં

સુરતઃ શહેરમાં પરિણીત દીકરી દહેજથી તંગ આવીને આપઘાત કર્યો હતો, ત્યાર બાદ તેના પરિવારજનોએ હંગામો કર્યો હતો અને તેની નણંદને ફટકારી હતી. પિયર પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને હંગામો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને નણંદને સુરક્ષિત પોલીસ વાનમાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેને વાનમાંથી ખેંચી હતી, ત્યાર બાદ તેની માર મારી હતી અને કપડાં પણ ફાડી નાંખ્યા હતા.
શું છે મામલો
સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારના બજરંગનગરમાં 29 વર્ષીય તેલુગુ યુવતી મોનિકા શોબન બાબુ પામુલાએ શનિવારે તેના ઘરે ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો. પિયરપક્ષે સાસરિયા પર દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો. પિયરપક્ષના આરોપ મુજબ, પહેલા પણ 10 તોલા સોનું અને રોકડા આપ્યા હતા તેમ છતાં વધુ દહેજની માંગ કરીને ત્રાસ આપવામાં આવતો હતો, જેનાથી ત્રાહિમામ પોકારીને મોનિકાએ આપઘાત કર્યો હતો.
આ ઘટના બાદ પિયરપક્ષાના લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. 20 લોકોના ટોળાએ મોનિકાની નણંદ જ્યોત્સનાના ઘરે પહોંચ્યા હતા અને ખૂબ હંગામો કર્યો હતો. જ્યોત્સનાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તેને સુરક્ષિત બહાર કાઢીને વાનમાં બેસાડી હતી, પરંતુ લોકોએ તેને તેમાંથી ખેંચીને બહાર કાઢી હતી અને ફટકારી હતી. આ દરમિયાન તેના કપડાં પણ ફાટી ગયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે મહિલાના આપઘાત મુદ્દે પતિ, સાસુ અને નણંદ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે, 10 તોલા સોનુ અને કેશ માંગવામાં આવી હતી જે આપી હતી. આ ઉપરાંત રૂપિયા માંગવામાં આવતા હતા. જે ન આપવામાં આવતાં મારી બહેનને ત્રાસ આપવામાં આવતો હતો, તેનાથી ત્રાહિમામ પોકારી આપઘાત કરી હતી.
10 લોકોની ધરપકડ
મોનિકાના પરિવારજનો દ્વારા નણંદના ઘરે હુમલો કરવા અને પોલીસની ગાડીમાંથી ખેંચીને માર મારવાના મામલે પોલીસે મૃતકના પરિવારના 18 જણ વિરુદ્ધ રાયટિંગનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે 10 લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને ૩ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.
આપણ વાંચો: ગુજરાત હાઇ કોર્ટે વકીલને લગાવી ફટકાર, કહ્યું- તથ્યોની ખરાઈ કર્યા વગર…