
સુરતઃ રાજ્યમાં નકલીનો જાણે કે રાફડો ફાટ્યો તેમ લાગે છે. નકલી લોકો પછી હવે નકલી તંબાકુ ફેક્ટરી ઝડપાઈ હતી. શહેરના વરાછા વિસ્તારના તિરુપતિ નગરમાં એક બિલ્ડિંગના પ્રથમ માળેથી આ ફેક્ટરી ઝડપાઈ હતી. 22 દિવસથી આ કારોબાર ચાલતો હતો.
2.13 લાખનો મુદ્દામાલ જપ્ત
ઝોન 1 ડીસીપી આલોક કુમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે નકલી તંબાકુ બનાવતા આરોપી હર્ષદ કાછડીયા નામના યુવકની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી 2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં બાગબાન તંબાકુના 15,100 પાઉચ, 10-10 કિલોની તંબાકુ ભરેલી 6 બેગ, 1.75 કિલોનો રેપર રોલ, 3 સિલ્વર પ્લાસ્ટિક રેપર રોલ, ઈલેકટ્રોનિક વજન કાંટો અને તંબાકુ બનાવતા મશીન સીલ કર્યા હતા.

પોલીસ મુજબ, આરોપી હર્ષદ કાછડીયા પહેલા પણ નકલી માલ બનાવવા અને જુગારના મામલે પકડાયો હતો. નકલી તંબાકુના રેકેટમાં તેની સાથે કોણ કોણ સામેલ છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત તેણે 22 દિવસમાં કોને કોને તંબાકુ વેચી તેની પણ તપાસ શરૂ કરી હતી.