
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મૂકીને વરસ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 48 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે, પરંતુ ધીમે ધીમે રાજ્યમાં વરસાદજન્ય બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો વકર્યો છે. સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે, જેમાં છેલ્લા 12 દિવસમાં ઝાડા-ઊલટી અને તાવથી બાળકો સહિત 10નાં મોત થયાં હતા.
વરસાદ ચાલુ રહેશે તો કેસ વધશે
ચોમાસાની ઋતુને કારણે મલેરિયા, ડેન્ગ્યૂ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં દરરોજ 10થી 12 ટકા વધુ કેસ આવી રહ્યા છે. જો સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોનાં કેસમાં વધારાને શક્યતા નકારી શકાય નહીં.
આ પણ વાંચો: સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો, બાળક સહીત ત્રણ લોકોના મોત…
પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવામાનમાં ફેરફારની અસર હવે લોકો પર દેખાઈ રહી છે, જેના કારણે મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 10થી 12 ટકાનો વધારો થયો હતો. થોડા દિવસો પહેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું પાણી પ્રવેશ્યાં હતાં. સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ હતી. પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. મલેરિયા અને ડેન્ગ્યૂ ઉપરાંત, વરસાદ દરમિયાન હેપેટાઇટિસ, ટાઈફોઈડ, કમળો અને તીવ્ર ગેસ્ટ્રો અને ચામડી પર ખંજવાળના દર્દીઓ પણ મોટી સંખ્યામાં વધ્યા છે.
બેક્ટેરિયા પાણી અને ખાદ્ય પદાર્થોને દૂષિત કરે છે
સૂત્રોએ જણાવ્યું કે, વરસાદમાં બેક્ટેરિયા વધે છે, જે સરળતાથી પાણી અને ખાદ્ય પદાર્થોને દૂષિત કરે છે અને ટાઈફોઈડ અને કમળાને આમંત્રણ આપે છે. તેથી સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સિઝનલ રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. લોકોએ રોગચાળાથી બચવા માટે સાવધાની રાખવી જોઈએ.
આ પણ વાંચો: રોગચાળો વકરતાં રાજ્યમાં ગુજરાતમાં આરોગ્ય વિભાગ થયું સક્રિય, આણંદમાં બે લાઇવ વેફર્સ યુનિટ સીલ…
સુરતમાં વરસાદે ફરી ખોલી પાલિકાની પોલ
સુરતમાં આજે શરૂ થયેલી વરસાદની ઈનિંગ્સે ફરી એક વખત પાલિકાની પોલ ખોલી હતી. સુરતમાં રવિવારે માત્ર બેથી અઢી ઇંચ પડેલા વરસાદ સામે પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ હતી. આજે પણ વરસાદના કારણે સુરત નવસારીને જોડતા ભેસ્તાન રોડ પર નદી વહી, કતારગામ, ડિંડોલી, વીઆઈપી રોડ સહિત અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વધતા વરસાદ વચ્ચે પણ પાલિકા પ્રશાસનની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે, જેમાં રસ્તાઓની બિસ્માર હાલત ઊભી થઈ છે.