સુરતમાં ₹100 કરોડના સાયબર ફ્રોડ મામલે ED એ કેટલા કરોડની સંપત્તિ જપ્ત કરી?

સુરત: શહેરમાં ઈડીએ થોડા દિવસ પહેલા મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચાર આરોપીઓ લોકોને ઈડી અને સુપ્રીમ કોર્ટના નામે લોકોને નોટીસ મોકલતા હતા. ઈડીએ આ કેસની તપાસ સુરત પોલીસના એસઓજીમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કરી હતી. ઈડીએ મની લોન્ડરિંગ કેસ અંતર્ગત ચાર આરોપીઓ મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાશિફ મકબુલ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને ઓમ રાજેન્દ્ર પંડ્યાની ધરપકડ કરી હતી.
ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મકબૂલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને તેમના પરિવારની ₹2.13 કરોડની ત્રણ સ્થાવર સંપત્તિઓને હંગામી ધોરણે જપ્ત કરી હતી. આ કાર્યવાહી ₹100 કરોડથી વધુના સાયબર ક્રાઇમ ફ્રોડની ચાલી રહેલી તપાસ અંતર્ગત કરવામાં આવી હતી.

સુરત SOGની તપાસના આધારે ED દ્વારા શરૂ કરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે, મકબૂલ ડોક્ટર, તેના પુત્રો કાશીફ અને બસ્સામ અને તેમના સાથીદારોએ સાયબર કૌભાંડોની શ્રેણી ચલાવી હતી. આ કૌભાંડોમાં ‘ડિજિટલ અરેસ્ટ ફ્રોડ’, ‘ફોરેક્સ સ્કેમ્સ’, અને સુપ્રીમ કોર્ટ તેમજ ED વગેરેના નામે નકલી કાયદાકીય નોટિસો જારી કરવાનો સમાવેશ થતો હતો. ગેરકાયદેસર રીતે મેળવેલા પૈસાને છુપાવવા માટે આરોપીઓએ કથિત રીતે તેમના કર્મચારીઓ અને ભાડે રાખેલા વ્યક્તિઓના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓને પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડ્સ દ્વારા ઓપરેટ કરવામાં આવતા હતા.
એજન્સીના તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ આ રકમને હવાલા ઓપરેટરો મારફતે ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી હતી.
આ મામલે મકબૂલ ડોક્ટર, કાશીફ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને ઓમ રાજેન્દ્ર પંડ્યા – એમ કુલ ચાર આરોપીઓની PMLA હેઠળ ઓક્ટોબર મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે, જે અંતર્ગત ₹2.13 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ની મોટી સફળતા; 70 લાખ લોકો સુધી પહોંચ્યો મેસેજ



