ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીના ઓર્ડર ઘટતાં ફ્રી ડ્યુટી કન્ટ્રી પર નજર

સુરતઃ અમેરિકાએ ભારત પર લગાવેલા તોતિંગ ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે. આશરે સાત હજાર જેટલા કારીગરોની રોજગારી પર જોખમ ઊભું થયું છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ઓગસ્ટ મહિનામાં ટેરિફ લાગુ થતા પહેલા ઓર્ડર વધ્યા હતા પરંતું હવે એક્સપોર્ટમાં ઘટાડો થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે,અમેરિકાથી ઘટેલા ઓર્ડરનો સામનો કરવા જેમ્સ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા લોકોએ અન્ય દેશો તરફ નજર દોડાવી છે. જેમાં ઓસ્ટ્રેલિયા, દુબઈ અને યુકે જેવા દેશો અગ્રેસર છે. ઉપરાંત સ્પેશિયલ ઇકોનોમિક ઝેડના યુનિટોએ પણ ઘરેલુ વેપારની મંજૂરી માગી છે.
કર્મચારીઓને છટણીનો ભય
સૂત્રોએ જણાવ્યું કે, સુરત સેઝમાં આશરે 80 ડાયમંડ-જ્વેલરી યુનિટ્સ આવેલા છે. જેમાંથી 60 નાના યુનિટ્સ છે. આ નાના યુનિટો માટે પરિસ્થિતિ વધુ કપરી બની છે. અમેરિકાના ઊંચા ટેરિફના કારણે હાલ ઓર્ડર નથી મળતાં. પરિણામે સેઝ યુનિટોમાં મંદીનો માહોલ છે અને કર્મચારીઓને પણ છટણીનો ભય સતાવી રહ્યો છે.
આ રીતે અમેરિકા પરની નિર્ભરતા ઘટશે
આ ઉપરાંત સૂત્રોએ એમ પણ કહ્યું કે, વાણિજ્ય મંત્રાલયને પત્ર લખીને સેઝના યુનિટોને જેમ્સ એન્ડ જ્વેલરીનું જોબવર્ક કરવાની પરવાનગી આપવાની ભલામણ કરી છે. જો આ મંજૂરી મળશે તો સ્થાનિક બજારમાં વેપાર કરીને ઉદ્યોગને થોડી રાહત મળી શકે છે. તેનાથી ઘણા રત્ન કલાકારોની રોજગારી બચાવી શકાય છે. જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ વધારવા માટે હવે અમેરિકા સિવાયના બીજા 84 દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ઉદ્યોગકારો હવે ‘ફ્રી ડ્યુટી કન્ટ્રી’ને વિકલ્પ તરીકે શોધી રહ્યા છે. આ દેશોમાં વેપાર વધારવાથી અમેરિકાના ઊંચા ટેરિફની અસરને ઓછી કરી શકાશે. આ દેશો સાથે નવા વેપાર કરારો કરવાથી વૈશ્વિક બજારમાં ભારતની પકડ મજબૂત થશે અને અમેરિકા પરની નિર્ભરતા ઘટશે.