સુરત સિટી બસમાં ડ્રગ્સનો નશો! યુવકની દાદાગીરીનો વીડિયો વાયરલ, પ્રવાસીઓ ભયભીત

સુરતઃ સુરતમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. સુરતમાં સિટી બસમાં ફરી એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બસમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત હોય છે અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરતો જોવા મળે છે. જેને એક મુસાફરે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ડ્રગ્સના પેકેટ દેખાડી દાદાગીરી કરતા યુવકનો વીડિયો વાયરલ
બસમાં મુસાફરો બેઠા હતા તેમ છતાં નશેડી યુવક વારંવાર અપશબ્દોનો બોલતો હતો. એટલું જ નહીં પરંતુ તેણે પાકીટમાંથી ડ્રગ્સના પેકેટ કાઢીને દાદાગીરી પણ કરી હતી. આ યુવકે નશમાં કહ્યું કે, ‘આ સુરત છે, અહીંથી નીકળ, તારી ઓકાત નથી, હું આ દોઢ લાખ રૂપિયાનો ફોન વાપરું છું’ ત્યારબાદ નશેડીએ હું રોયલ કાઠિયાવાડી છું કહીને પાકીટમાંથી રૂપિયા 5000ના ડ્રગ્સનું પેકેટ કાઢ્યું હતું. ડ્રગ્સના પેકેટ અન્ય મુસાફરોને બતાવતો હતતો. આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેને પોલીસ કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે.
આપણ વાંચો: ગુજરાતમાં નકલીનો સિલસિલો યથાવત! અમદાવાદમાંથી વધુ 2 બોગસ અધિકારી ઝડપાયા
શું સુરતમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થાય છે?
વાયરલ વીડિયો પ્રમાણે નશેડી યુવક ડ્રગ્સ લેવા માટે જે ઇન્જેક્શનનો ઉપયોગ કર્યો હતો તે પણ બસમાંથી મળી આવ્યું હતું. યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી રહી હતી. આવા લોકો સામે સુરત પોલીસે સત્વરે કાર્યવાહી કરવાની જરૂર છે. યુવક જાહેરમાં નશાના પેકેટ બતાવે છે! જેથી પ્રશ્ન એ થાય છે કે તેની પાસે ડ્રગ્સ આવ્યું ક્યાથી? શું સુરતમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થાય છે? આવા અનેક પ્રકારના સવાલ થઈ રહ્યાં છે. આ યુવક નશાની હાલતમાં હતો તેના કારણે મુસાફરોના જીવને પણ જોખમ હતું. કારણે નશામાં વ્યક્તિ કઈ પણ કરી શકે છે. વાયરલ વીડિયોને જોતા નશેડી યુવકે એક મુસાફરને ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે.