સુરતમાં શ્વાનોનો આતંક: માસૂમ પર 5 શ્વાન તૂટી પડ્યા, માથા અને શરીરે લેવા પડ્યા 35 ટાંકા!

સુરત: શહેરમાં રખડતા શ્વાનોનો આતંક ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. શહેરના વાલક પાટિયા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષના નિર્દોષ બાળક પર શ્વાનોના ઝુંડે કરેલા જીવલેણ હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર મચી દીધી હતી. વોચમેન તરીકે ફરજ બજાવતા હિમલભાઈનો પુત્ર ગણેશ ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે અચાનક ચારથી પાંચ હિંસક શ્વાનો તેના પર તૂટી પડ્યા હતા. આ હુમલો એટલો ભયાનક હતો કે બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને માંડ-માંડ તેને છોડાવ્યો હતો.
ઘટનાની ગંભીરતાનો એ વાત પરથી જાણી શકાય છે કે બાળકના માથા અને શરીરના અન્ય ભાગોમાં એટલી હદે બચકા ભર્યા હતા કે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, શ્વાનોના હુમલાને કારણે બાળકના માથા અને શરીર પર ઊંડા ઘા પડ્યા છે, જેના નિવારણ માટે તેને 30 થી 35 જેટલા ટાંકા લેવા પડ્યા હતા.
સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે પણ આ ઘટનાએ ગંભીર સવાલો ઉભા કર્યા હતા. સુરતમાં છેલ્લા ત્રણ મહિનામાં જ 3,261 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. અગાઉ જ્યારે આવા બનાવો વધ્યા હતા, ત્યારે પાલિકા તંત્ર દ્વારા ‘ડોગ ફીડિંગ સ્પોટ’ બનાવવા જેવી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં આ કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ હોય તેમ જણાય છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો પાલિકા દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આવી ઘટનાઓ હજુ પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
આપણ વાંચો: ગાંજો પીવાની આદતે 75 વર્ષીય વૃદ્ધને જેલ ભેગા કર્યા; વાડામાંથી ઝડપાયો 27.66 લાખનો ગાંજો



