મહારાષ્ટ્રમાં ફરજ પરથી બરતરફ થયેલા PSI એ ગુજરાતમાં કરી લૂંટ, હવે પોલીસે કરી ધરપકડ…

સુરત/લાતૂર: મહારાષ્ટ્રમાં ફરજ પરથી બરતરફ કરાયા બાદ ગુજરાતમાં લૂંટ ચલાવનાર મહારાષ્ટ્રના એક પોલીસ કર્મચારીની સુરત પોલીસે ધરપકડ કરી હતી. સુરતમાં નોંધાયેલા એક લૂંટના કેસના સંબંધમાં મહારાષ્ટ્ર પોલીસના બરતરફ (Dismissed) સબ-ઇન્સ્પેક્ટર (PSI) રણજીત કાસલેની મહારાષ્ટ્રના લાતૂરમાંથી ધરપકડ કરી હતી.
પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો
મળતી વિગતો અનુસાર, સુરતના પાલ પોલીસ સ્ટેશન નજીક નોંધાયેલા એક લૂંટના કેસમાં રણજીત કાસલેની સંડોવણી હોવાનું સામે આવતાં ગુજરાત પોલીસે આ કાર્યવાહી કરી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના ઇન્સ્પેક્ટર સુધાકર બાવકરે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની એક ટીમ મહારાષ્ટ્રના લાતૂર પહોંચી હતી અને રવિવારે રાત્રે આશરે ૧૦:૩૦ કલાકે તેની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતના કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ દરમિયાન તેણે લૂંટની ટોળકીને મદદ કરવામાં કાસલેની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ માહિતીના આધારે, કાસલેએ આરોપીઓને લોજિસ્ટિકલ અથવા અન્ય સહાય પૂરી પાડી હોવાની શંકા સાથે ગુજરાત પોલીસની એક વિશેષ ટીમ ધરપકડના કેટલાક દિવસો પહેલાંથી જ લાતૂરમાં તૈનાત હતી.
અગાઉ પણ વિવાદોમાં સપડાયો હતો કાસલે
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૨૫માં પણ રણજીત કાસલેની મહારાષ્ટ્રના બીડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેણે કથિત રીતે ઑનલાઇન વાંધાજનક ટિપ્પણી પોસ્ટ કરવા બદલ તેની સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. ગુજરાત પોલીસ હવે સુરતમાં નોંધાયેલા લૂંટના કેસમાં તેની વધુ પૂછપરછ કરશે.