સુરત

વાલી ફી ભરી ન શકતા હોવાથી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા કે પછી કારણ કંઈક અલગ

સુરતઃ વાતો તો આકાશ આંબવાની પણ ધરતી પર પગ મૂકવાનું અઘરું બની ગયું છે. ચારેતરફ મોંઘવારીથી ઘેરાયેલા એક માતા-પિતા માટે તો હાલમાં ધરતી ફાટે તો સમાઈ જઈએ તેવી સ્થિતિ છે. આ કમનસીબ માતા-પિતા પોતાની દીકરીની સ્કૂલ ફી ભરી ન શકયા અને દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતની ઘટનામાં એક 8 વર્ષની વિદ્યાર્થિનીના પિતાએ સ્કૂલ ફી ભરી ન હતી અને તેથી તેને પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી. વિદ્યાર્થિનીને સ્કૂલ બહાર ઊભી રાખવામાં આવતા તે ક્ષોભ અનુભવતી હતી અને તેણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં બનેલી છે અને તેના અહેવાલોએ એક ચર્ચા પણ જગાવી છે.

શું હતી સમગ્ર ઘટના
ગુજરાતના સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આ ઘટના બની છે. અહીંની એક પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થિની આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેનાં પિતાના કહેવા અનુસાર ઉતરાયણ પહેલા તેમને ફી ભરવા માટે કહેવામાં આવ્યું હતું. પિતાએ હાલ વ્યવસ્થા ન હોય થોડ દિવસોમાં ફી ભરી જવા કહ્યું હતું, પરંતુ સ્કૂલ સંચાલકોએ ફી ન ભરી હોવાથી તેને પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને બહાર ઊભી રાખી હતી. આ બનાવ બાદ દીકરી ઘેર આવી રડી હતી અને સ્કૂલે જતી ન હતી. તેને લાગી આવતા આજે તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.

સ્કૂલ સંચાલકો શું કહે છે.
આ અંગે સ્કૂલના સંચાલકોએ એકદમ અલગ જ વાત કરી છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ વિદ્યાર્થીઓને ફી મામલે કોઈ ટકોર કરતા નથી કે સૂચનાઓ પણ આપતા નથી. આ અંગે વાલીઓને જ વાત કરીએ છીએ. આ વિદ્યાર્તિના વાલીઓને બોલાવવા છતાં તે ન આવ્યા હતા અને તે માટે માત્ર તેને વાલીને સ્કૂલે બોલાવી લાવવા કહ્યું હતું. તેમણે માતા-પિતાની વાતને પાયાવિહોણી કહી હતી અને અન્ય કોઈ કારણસર બાળકીએ આવું પગલું ભર્યુ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો…સુરતમાં પ્રેમી સાથે શરીર સંબંધથી પ્રેમિકા થઈ ગર્ભવતી, કહ્યું- સાથે આપઘાત કરીશું ને પછી….

શું કહેવાનું છે સ્કૂલ શિક્ષિકાનું
આ સ્કૂલનાં એક શિક્ષિકાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સ્કૂલે તેને ફી મામલે માત્ર પિતાને બોલાવી લાવવા કહ્યું હતું. વિદ્યાર્થિનીની પરીક્ષા 8મી તારીખે હતી અને આ ઘટના આજે એટલે કે 21મી તારીખે બની છે. તેમણે એમ પણ કહ્યું કે છોકરીને તેના પરિવારવાળા ભણવા આવવા દેતા ન હતા અને વારંવાર મમ્મીની તબિયત ખરાબ છે કહી ઘરે કામ કરાવતા હતા. આ સાથે છોકરી સાથે કોઈ વાતથી માતા-પિતા નારાજ હોવાથી તેને સ્કૂલે મોકલતા ન હોવાનો દાવો પણ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે.

નોંધઃ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વસ્થતા માટે નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button