ટોપ ન્યૂઝસુરત

સુરતમાં દર સપ્તાહે એક રત્ન કલાકારનો આપઘાત, જાણો ડાયમંડ વર્કર યુનિયને શું કરી માગ

Latest Surat News: ડાયમંડ નગરી તરીકે ઓળખ ધરાવતા સુરતના હીરા ઉદ્યોગ હાલ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરના અમરોલી વિસ્તારમાં એક પરિવારે હીરા ઉદ્યોગની મંદીના કારણે આર્થિક સંકડામણથી ત્રાહીમામ થઈને આપઘાત કર્યો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં એન્ટિલિયા ફ્લેટમાં ભરતભાઈ શશાંગિયા પોતાના પરિવાર સાથે રહેતા હતા. ભરતભાઈની સાથે તેમનો દીકરો હર્ષ અને પત્ની વનિતાબેન રહેતા હતા. ભરતભાઈ અને તેનો દીકરો હર્ષ બંને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા અને વર્ષોથી હીરા ઉદ્યોગ સાથે જોડાઈને પરિવારનો ગુજરાન ચલાવતા હતા. પરંતુ હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ભરતભાઈ ડાયમંડ ઉદ્યોગ છોડીને સિક્યુરિટી ગાર્ડની નોકરી પસંદ કરી હતી. બીજી તરફ તેમના દીકરા હર્ષ દ્વારા પણ ડાયમંડની નોકરી છોડી દેવામાં આવી હતી અને ખાનગી બેંકના લોન ડિપાર્ટમેન્ટમાં તે પોતાનું કામ કરી રહ્યો હતો. આર્થિક સંકડામણના કારણે લોનના હપ્તા ભરી શકતા નહોતા અને 5 હપ્તા બાઉન્સ થતાં ટેન્શનમાં આવીને આ પગલું ભર્યું હતું.

સુરતમાં હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે છેલ્લા એક વર્ષમાં 52 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી હોવાનો દાવો સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવ્યો હતો. આમ છેલ્લા એક વર્ષમાં દર સપ્તાહે એક રત્ન કલાકારે આત્મહત્યા કરી હતી. ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીને લઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વિવિધ માંગણી કરવામાં આવી હતી અને કલેક્ટરને રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત જિલ્લા કલેકટરને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું કે, હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે. જેની સીધી અસર રત્ન કલાકારો પર પડી છે. મંદીના કારણે લાખો રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તેમના પગારમાં 50 ટકા ઘટાડો થયો છે. રત્ન કલાકારો રામ ભરોસે છે. રત્ન કલાકારો મુશ્કેલીમાં હોવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.

શું કરી માગ
રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવો
રત્ન કલાકાર માટે આર્થિક પેકેજની જાહેરાત
મોંઘવારી મુજબ પગાર વધારો
હીરા ઉદ્યોગમાં પણ મજૂર કાયદાનું ચુસ્તપણે પાલન કરો
આપઘાત કરતાં રત્ન કલાકારોના પરિવારો માટે વિશેષ સહાય

(નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો)
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button