સુરતમાં ખાડી પૂર નિવારવા ધારાસભ્ય કુમાર કાનાણીનો CMને પત્ર: સર્વેની માંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરતઃ શહેરમાં આવેલા ખાડી પૂરના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. શહેરમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી નિવારણ માટે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો.
કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે સુરતને ખાડી પૂરની પરિસ્થિતિમાંથી મુક્ત કરી શકાય તે માટે મથુરભાઈ સવાણીએ મુખ્ય પ્રધાન, સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને અધિકારીઓને પત્ર લખ્યો હતો.
આ પત્ર સાથે ખાડી ડાઇવર્ટ કરવાના પ્લાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કાનાણીએ મથુરભાઈના સૂચનોનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તેમણે સૂચવેલી યોજના પ્રમાણે સર્વે કરી, શક્યતા તપાસી આ યોજના શક્ય છે કે કેમ? તે બાબતે આગળની કાર્યવાહી કરવી જોઈએ.
આપણ વાંચો: સુરતમાં ચોતરફ જળંબબાકાર, ખાડીના પાણી ઘરમાં ધૂસ્યા, રેસક્યૂ કાર્ય તેજ કરાયું
ખાડી પૂરની સમસ્યા વાર્ષિક બની ગઈ
તેઓએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે સુરતમાં દર વર્ષે ભારે વરસાદ બાદ ખાડી પૂરની સમસ્યા સર્જાય છે, જેનાથી લાખો લોકો પ્રભાવિત થાય છે. આ એક વાર્ષિક સમસ્યા છે જે ભારે હાલાકીનું કારણ બને છે. આ ખાડી પૂરથી કઈ રીતે બચી શકાય તે અંગે ઉદ્યોગપતિ મથુર સવાણીએ એક વિગતવાર આયોજન પત્ર દ્વારા મુખ્ય પ્રધાન અને મને પણ મોકલ્યું છે.
ખાડી પૂરની સમસ્યાનો કાયમી હલ જરુરી
આ પત્ર વાંચ્યા પછી મને એવું લાગે છે કે જો આયોજનપૂર્વક અને શક્ય હોય તો આ કામગીરી કરવામાં આવે તો ખાડી પૂરનો પ્રશ્ન ચોક્કસપણે હલ થઈ શકે છે. મારું માનવું છે કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે સર્વે કરાવવો જોઈએ.
જો સર્વે કર્યા પછી આ વાત યોગ્ય લાગતી હોય અને ખાડી પૂરનો પ્રશ્ન કાયમ માટે હલ થઈ શકતો હોય, તો યુદ્ધના ધોરણે આ કાર્યો હાથ ધરીને લાખો લોકોને આ સમસ્યામાંથી મુક્તિ આપવી જોઈએ.
આપણ વાંચો: સુરતમાં પૂરે ટેક્સટાઈલ વેપારીઓને રડાવ્યાં, મોંઘી સાડીઓ સસ્તા ભાવે વેચવા મજબૂર
દોષારોપણ કરતા નક્કર કામગીરી થવાનું જરુરી
આ સમસ્યા કોઈ એક વિભાગ પૂરતી સીમિત નથી, અને કોઈ એક વિભાગ બીજા વિભાગ પર જવાબદારી ઢોળી દેવાથી તેનો ઉકેલ આવશે નહીં. આ માટે એક ચોક્કસ પ્રકારની સંકલિત કામગીરી થવી જોઈએ. આપણે ખાડી પૂરને સંપૂર્ણપણે અટકાવી શકતા નથી, કારણ કે ભારે વરસાદને રોકવો આપણા હાથમાં નથી, પરંતુ તેમાં લોકોને રાહત મળે તે માટે પ્રયાસો કરી શકાય છે.
ખાડીનો પાણીનો પ્રવાહ સુરતમાં પૂરનું કારણ બને
બે દિવસ પહેલા મથુર સવાણીએ મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેરને પૂરના પાણીથી મુક્ત કરવા માટે આજની ટેકનોલોજીનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને બારડોલીના ઉપરવાસના વિસ્તારોમાંથી આવતો ખાડીનો પાણીનો પ્રવાહ સુરતમાં વારંવાર ખાડી પૂરનું કારણ બને છે.
સૂચિત યોજના મુજબ, અંત્રોલી નજીક આવેલા છેડછા ગામથી નવા રીંગ રોડની સાઈડમાં ખાડીના પાણીને પાઇપલાઇન દ્વારા ડાયવર્ટ કરીને વાલક ગામ પાસે તાપી નદી સાથે જોડી શકાય તેમ છે. આ પ્રસ્તાવિત પાઇપલાઇનનો અંદાજિત વિસ્તાર લગભગ 7 કિલોમીટર જેટલો થશે.