Top Newsસુરત

સુરતીઓ તૈયાર થઈ જાવ! ૯મી જાન્યુઆરીથી સુવાલીના દરિયાકિનારે જામશે ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ’નો જલસો…

સુરત: રાજ્યના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચોના વિકાસ માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે ત્રિ-દિવસીય સુંવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬ યોજાશે. બીચ ફેસ્ટિવલને તા.૯મીએ સાંજે ૫.૦૦ વાગે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર.પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે.

સુવાલી બીચ ફેસ્ટિવલના આયોજન અને તૈયારીના ભાગરૂપે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈની ઉપસ્થિતિ અને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, સુંવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તથા પ્રવાસી-સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયાકિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા-તાલુકા વહીવટીતંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. સુવાલી જવા-આવવા સહેલાણીઓ માટે ત્રણેય દિવસે સિટી બસ અને એસ.ટી. બસની વ્યવસ્થા કરાશે.

જિલ્લા કલેક્ટરે તૈયારીઓની સમીક્ષા કરી સંબધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. તેમણે ક્રાર્યક્રમ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ, તરવૈયા, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમોને સ્ટેન્ડ બાય રાખવી, પોલીસ દ્વારા સુવાલી બીચ જવાના તમામ રસ્તાઓ પર ટ્રાફિક નિયમન, પાર્કિંગ એરિયા જેવી આવશ્યક તૈયારીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ઊંટ અને ઘોડેસવારી, ફુડ કોર્ટ, ક્રાફટ સ્ટોલ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.

પ્રખ્યાત કલાકારો રમઝટ બોલાવશે
સુવાલી બીચ ફેસ્ટિવલમાં પ્રખ્યાત ગાયક કલાકારો શ્રોતાઓને ગીતસંગીતથી ડોલાવશે, જેમાં તા.૯મીએ સાંજે ૬.૩૦ વાગ્યે ઓસમાણ મીર અને આમીર મીર, ૧૦મીએ સાંજે ૭.૦૦ વાગ્યે ભૂમિ ત્રિવેદી અને ૧૧મીએ સાંજે ૭.૦૦ વાગ્યે સાંત્વની ત્રિવેદી સૂરોની રમઝટ બોલાવશે.

આ પણ વાંચો…દેશમાં પ્રથમ વખત સુરતથી આ તારીખે દોડશે બુલેટ ટ્રેન, અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

બીચ ફેસ્ટીવલના આકર્ષણો
બીચ ફેસ્ટીવલમાં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ રહેશે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ અને બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફુડકોર્ટની વ્યવસ્થામાં નાગલીની વાનગી-ડાંગી ડિશ-ઉંબાડિયુ જેવી પરંપરાગત, અવનવી વાનગીઓના ૧૨૫ જેટલા ફુડ સ્ટોલ અને શોપીંગ માટે ક્રાફ્ટ સ્ટોલ ઉભા કરાશે. પરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન હશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, લોકડાયરાની રમઝટ અને દરિયાકિનારાનો આહ્લાદક માહોલ માણવાની તક મળશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button