ધર્મની આડમાં છેતરપિંડી: સુરતમાં સગીર દીકરીને 'ભૂઈ' બનાવી માતા-પિતાએ શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા...
સુરત

ધર્મની આડમાં છેતરપિંડી: સુરતમાં સગીર દીકરીને ‘ભૂઈ’ બનાવી માતા-પિતાએ શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા…

સુરતઃ વેલંજા ગામમાં અંધશ્રદ્ધાના ઓથા હેઠળ એક ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અહીં એક માતા-પિતાએ તેમની15 વર્ષની દીકરીને માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ ‘મોગલ માતાની ભૂઈમા’ જાહેર કરી દીધી હતી. છેલ્લા 12 વર્ષથી આ દંપતી દીકરીના નામે શ્રદ્ધાળુઓ પાસેથી રૂ 21 હજારથી લઈને રૂ 1.50 લાખ સુધીનો ધાર્મિક ચાર્જ વસૂલતું હતું. તેઓ લોકોના દુ:ખ-દર્દ મટાડવા અને સમસ્યા ઉકેલવાના બહાને આ પૈસા પડાવતા હતા.

આ ગોરખધંધાનો પર્દાફાશ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ અને ઉત્રાણ પોલીસે સંયુક્ત રીતે કર્યો હતો. જ્યારે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ દંપતીના ઘરે પહોંચી, ત્યારે પોલીસને જોઈને ભૂઈમા બનેલી દીકરીએ તરત ધુણવાનું બંધ કરી દીધું હતું. પૂછપરછ દરમિયાન દીકરીએ રડતા રડતા હકીકત જણાવી હતી.

તેણે કહ્યું કે, મારે ભૂઈમાનું કામ કરવું નથી. મારા માતા-પિતા પરાણે કરાવે છે. ધુણું નહીં તો મને ઢોર માર મારવામાં આવે છે. મારે ભણવું છે, પણ મને ભણતા ઉઠાડી લેવામાં આવી છે.” દીકરીને રાત્રે બે વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ સામે બેસાડી ધુણવા મજબૂર કરવામાં આવતી હતી.

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પુરાવા એકઠા કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મદદથી આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ દંપતીએ વિજ્ઞાન જાથાની પગે પડીને માફી માગી હતી. આખરે, તેમને ઉત્રાણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે માફીપત્ર પર સહી કરીને દોરા-ધાગા, બાધા-ટેક અને તમામ આર્થિક છેતરપિંડી કાયમી ધોરણે બંધ કરી દેવાની કબૂલાત કરી હતી. પોલીસે સગીર દીકરીને આશ્વાસન આપી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button