સુરતમાં દુર્ગાપૂજાના પંડાલમાં યુવતીઓએ ઠુમકા લગાવતાં વિવાદ, ભક્તોની લાગણી દુભાઈ

સુરતઃ શહેરમાં પરપ્રાંતીયો મોટી સંખ્યામાં વસે છે અને દુર્ગાપૂજાનું પર્વ ધામધૂમથી ઉજવે છે. આ દરમિયાન શહેરના ભટાર, પાંડેસરા સહિત ડીંડોલી વિસ્તારમાં દુર્ગાપૂજાના પંડાલમાં કેટલીક યુવતીઓએ ભક્તિના નામે અશ્લીલતાનું પ્રદર્શન કર્યું હતું. ફિલ્મી ગીત પર યુવતીઓ દ્વારા ઠુમકા લગાવવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં ભક્તોની લાગણી દુભાઈ હતી.
વાયરલ વીડિયો મુજબ કાળા રંગના ડ્રેસ પહેરેલી એક યુવતી માતાજીની મૂર્તિ સામે અશ્લીલ ડાન્સ કરતી હતી. આશ્ચર્યજનક રીતે તેની બાજુમાં બે લોકો ચૂંદડી ઓઢીને ભક્તિભાવપૂર્વક નૃત્ય કરી રહ્યા હતા. ત્યારે આ યુવતીનું નૃત્ય ધાર્મિક વાતાવરણને લજવતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અન્ય એક વીડિયોમાં રંગીન રોશનીથી સજાવેલા સ્ટેજ ઉપર યુવતીઓ બિભત્સ નાચગાન કરી રહી છે અને આ દ્રશ્યો જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
સુરતના પોશ વિસ્તાર ભટારનો પણ એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં માતાજીની મૂર્તિ સામે દસથી 12 મહિલા ‘તેરા પ્યાર પ્યાર હુકા બાર’ જેવા ગીતો પર નાચી રહી હોવાનું જોવા મળ્યું હતું. અશ્લીલ વીડિયોએ નવરાત્રીના પવિત્ર વાતાવરણને દૂષિત કર્યું હતું અને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે વડોદરામાં પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ સામે આવ્યો હતો. કપલે જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લક્ષ્મી વિલાસ પેલેસમાં પણ આવી જ કિસ કરતા કપલનો વીડિયો વાયરલ થયો હતો. સુરતમાં પણ સોફામાં બેસીને કપલે અશ્લીલ હરકત કરી હતી. માતાજીના ભક્તિ ઉપાસનાના તહેવારમાં આપણી પરંપરા અને સંસ્કૃતિને કોઈ લાંછન લાગે નહીં એનું પણ લોકોએ ધ્યાન રાખવું જોઈએ એવી પણ સોશિયલ મીડિયા પર વિશેષ ચર્ચા ચાલી હતી, જ્યારે અમુક લોકોએ સમર્થન પણ કર્યું હતું.
આ પણ વાંચો…વડોદરામાં ગરબામાં કિસ કરનાર ઓસ્ટ્રેલિયાના કપલે લેખિતમાં માફી માગી