
સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. શહેરમાં કોંગ્રેસના નેતાએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, સુરતના જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા ફિરોઝખાન પઠાણે શુક્રવારે બપોરે કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું.
તાપીમાં જળસ્તર વધ્યું હોવાથી અને પાણીનો તેજ પ્રવાહ હોવાથી મોડી રાત સુધી ફાયર ટીમ કરેલી સતત શોધખોળ વચ્ચે મુરી ગામ માટીવાડ, ઉભરાટ નજીક દરિયા કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
ક્રિમિનલ વકીલ હતા
ઉધના સ્થિત અમન સોસાયટીમાં રહેતા ફિરોઝખાન પઠાણ (ઉ.વ.50) વ્યવસાયે ક્રિમિનલ વકીલ હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ યોગ્ય રીતે વકીલાત નહોતા કરતાં. તેઓ પઠાણ કોંગ્રેસના લીગલ સેલમાં પણ સક્રિય હતા.
શુક્રવારે તેમણે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી તાપી નદીમાં ભુસકો લગાવી દીધો હતો. તેમનું મોપેડ બ્રિજ નીચેથી મળી આવ્યું હતું.
કૌટુંબિક ક્લેશ કારણભૂત હોવાની આશંકા
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયા મારફતે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મોડી સાંજ સુધી કોઈ પત્તો મળ્યો નહોતો. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી તેમને શોધવામાં ભારે મુશ્કેલી પડી હતી.
વેસુ અને અડાજણના ફાયરના જવાનોએ પાલ ઓવારાથી અડાજણ ઓવારા સુધી તથા મગદલ્લા વિસ્તારમાં પણ તેમની શોધખોળ કરી હતી. દરમિયાન મરોલી નજીક મૃતદેહ મળી આવ્યો હતો. અડાજણ પોલીસે પણ તપાસ કરતા સીસીટીવીમાં તેઓ બ્રિજની નીચે મોપેડ પાર્ક કરતા દેખાયા હતા.
તેમણે ભરેલા આ પગલા પાછળ કૌટુંબિક ક્લેશ કારભૂત હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. વધુમાં તેમને કીડની સંબંધિત બિમારી પણ હતી. અગાઉ પણ તેમણે એક થી વધુ વખત આત્મહત્યાની કોશિષ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, ફિરોઝ ખાન કોંગ્રેસના સક્રીય કાર્યકર્તા હતા. તેઓ કોંગ્રેસના -જુદા-જુદા હોદા પર પણ અગ્રણી તરીકે રહી ચૂક્યા હતા. કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન તરીકે પણ પાંચ વર્ષ સેવા આપી હતી. સુરતના જાણીતા અને સિનિયર વકીલ અબ્દુલ વહાબ શેખ પાસે ફિરોઝ ખાન જુનીયર તરીકે પ્રેક્ટીસ કરીને વકીલાતમાં નામના મેળવી હતી.
ફિરોઝખાનના પિતા સાહેબખાન પઠાણ એક લોક ગાયક હતા, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પણ હતા. ફિરોઝખાને ભરેલા આ પગલાથી પરિવારમાં અને મિત્ર વર્તુળમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો…સુરતમાં ડબલ સ્યુસાઈડઃ અલથાણમાં માતા-પુત્રએ 13મા માળેથી મોતની છલાંગ લગાવી