RTOના નામે ફેક મેસેજ મોકલી ચૂનો લગાવતી ‘ગુજરાતી ગેંગ’ જેલભેગી, તમિલનાડુ પોલીસનું સુરતમાં ઓપરેશન…

સુરત/કોઈમ્બતુર: તમિલનાડુની કોઈમ્બતુર સાયબર ક્રાઈમ પોલીસે સુરતમાં દરોડા પાડીને RTO ચલણના નામે છેતરપિંડી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સુરતથી કુલ 10 ગુજરાતી શખ્સોની ધરપકડ કરી છે, જેઓ નિર્દોષ લોકોને ફેક ટ્રાફિક મેમો મોકલીને શિકાર બનાવતા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રુ. 3.5 લાખની રોકડ, 311 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ, 10 મોબાઈલ ફોન, એક સ્વાઇપ મશીન અને ચેકબુક જેવો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સમગ્ર કૌભાંડનો ભોગ કોઈમ્બતુરના 71 વર્ષીય વૃદ્ધ બન્યા હતા. ઠગબાજોએ તેમને ટ્રાફિક પોલીસ જેવો જ દેખાતો એક ફેક મેસેજ મોકલ્યો હતો, જેમાં પેન્ડિંગ ટ્રાફિક ચલણની વિગતો આપવામાં આવી હતી. આ મેસેજમાં આપેલી એક APK ફાઈલ વૃદ્ધે જેવી ડાઉનલોડ કરી કે તરત જ ઠગબાજોએ તેમના ફોનનો એક્સેસ મેળવી લીધો હતો. થોડી જ વારમાં તેમના ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટમાંથી રુ. 16.47 લાખ ઉપડી ગયા હોવાનો મેસેજ મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ઓગસ્ટ 2025માં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઈમ ઈન્સપેકટરની આગેવાનીમાં પોલીસની ટીમે ટેકનિકલ તપાસના આધારે સુરતમાં ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે સુરતથી રજનીભાઈ, વિશ્વભાઈ, વિજય, જિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, મિરેલ, કપિલ રાજુભાઈ, મીત અને ચંદન સહીત નામના 10 શખ્સોને દબોચી લીધા હતા. આ તમામ આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી કોઈમ્બતુર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે સાંજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…સુરત, અમદાવાદના મર્સિડીઝ કારના ડીલરોએ જૂની કારો નવા મોડલના નામે પધરાવી દીધી, કેટલો થયો દંડ



