સુરત

સુરતના કુખ્યાત આરોપી ચિરાગ ગોટી, તેના પિતા અને ભાઈ સામે અપહરણ-ખંડણીનો ગુનો દાખલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
સુરતમાંથી ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ઝડપાયેલા કુખ્યાત ચિરાગ ગોટીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં ધરપકડના બીજા જ દિવસે, સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી, તેના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી સહિત કુલ સાત શખ્સો સામે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર કચેરી ખાતે અનેક પીડિતોએ ચિરાગ વિરુદ્ધ ત્રાસ અને ઉઘરાણીની ફરિયાદ કરી હતી. આ દરમિયાન ચિરાગના ચાર શૂટિંગ વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં તે હવામાં ફાયરિંગ કરતો, હથિયાર લઈને ઉભેલો અને લોકોને માર મારતો જોવા મળ્યો હતો. પોલીસનું માનવું છે કે આ વીડિયો લોકોમાં ફાળ ફેલાવી નાણાં પડાવવા માટે સોશિયલ મીડિયા અને સાથીદારોમાં ફરતા કરવામાં આવ્યા હતા.

આપણ વાચો: રૂ. 252 કરોડના મેફેડ્રોનની જપ્તિનો કેસ: મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવેલી 3.46 કરોડની રોકડ હસ્તગત કરાઇ

પોલીસમાં ફરિયાદ મુજબ, પીડિતે આક્ષેપ કર્યો હતો કે ઓક્ટોબર 2021માં જ્યારે તેઓ જમીન સોદાના પેમેન્ટ માટે જઈ રહ્યા હતા, ત્યારે ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને સાથીદારોએ તેમને આંતરીને રૂ. 10 લાખની ખંડણી પડાવી હતી. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીને ચપ્પુ બતાવી દર મહિને રૂ. 2 લાખનાની માંગણી કરી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, 24 ઓક્ટોબર 2021ના રોજ ચિરાગ તેને કારમાં અપહરણ કરી પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં પિતા-પુત્રોએ મળીને તેને ગોંધી રાખી ઢોર માર માર્યો હતો અને મારપીટનો વીડિયો બનાવી પોલીસ પાસે જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આપણ વાચો: રૂ. 325 કરોડના મેફેડ્રોન ડ્રગ્સની જપ્તિના કેસમાં સપ્લાયરની ધરપકડ

એસઓજીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, પોલીસને ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણી અને ટોર્ચરની અનેક ફરિયાદો અને વીડિયો પુરાવા મળ્યા છે. હાલ પોલીસે આ ટોળકી વિરુદ્ધ અપહરણ, ખંડણી, ગેરકાયદે અટકાયત અને ગુનાહિત કાવતરા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, ચિરાગ ગોટી અગાઉ તેના ભૂતપૂર્વ ભાગીદાર અલ્પેશ મિયાણીની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાના કેસમાં શરણે આવ્યો હતો અને હાલ તે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર છે. સિંગણપોર અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં તેની સામે અગાઉ પણ પાંચ જેટલા ગુના નોંધાયેલા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button