સુરતમાં ઉતરાણ પહેલા ચાઈનીઝ દોરીથી બાઈકચાલકનું ગળું કપાયું

Surat News: મકરસંક્રાંતિને હજુ બે મહિના જેટલી વાર છે. સુરતમાં અત્યારથી માંજાના કારીગરો દોરી બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં છૂટથી મળી રહી છે. ઉત્તરાયણ વખતે તંત્ર માત્ર નામની કાર્યવાહી કરે છે. સુરતના અમરોલી વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા મોટરસાયકલ ચાલકનું ચાઈનીઝ દોરીના કારણે ગળુ કપાયું હતું. દોરીનો ઘા એટલો જબરદસ્ત હતો કે, ગળાની ત્રણ નસો કપાઈ ગઈ હતી. આ યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
આ પણ વાંચો: ગોંડલમાં યુવકે કર્યો કમળપૂજાનો પ્રયાસ: મંદિરમાં પોતાનું જ ગળું કાપી નાંખ્યું
મગજ તરફ જતી નસ કપાઈ
અમરોલી-સાયણ રોડ સ્થિત ઓવરબ્રિજ પરથી ડાયમંડ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો યુવક મોટર સાયકલ લઈને મોટા વરાછાથી અમરોલી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેના ગળામાં ચાઈનીઝ દોરી આવી જવાથી ગળાની ત્રણ નસો કપાઈ ગઈ હતી. મગજ તરફ જતી નસો કપાઈ જવાને કારણે યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને આઈસીયુમાં ખસેડાયો હતો.
સમયસર સારવાર મળી નહીંતર….
ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો પણ ત્યાંથી તેને તરત જ કિરણ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જયાં ડોકટર દ્વારા ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી ત્રણ નસને જોઇન્ટ કરી તેને નવજીવન આપ્યું હતું. ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે જો સમયસર સારવાર મળી ના હોત તો તેને બચાવવો અશક્ય હતો. મકરસંક્રાંતિના પર્વ પહેલા જ અત્યારથી જ દોરીથી લોકોના ગળા કપાવવાનું શરૂ થઈ ગયું છે.