ભાજપના ધારાસભ્યોનું કોઈ સાંભળતું ના હોય તો આપણા જેવા સામાન્ય લોકોની શું દશા થતી હશે ?

સુરતઃ વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યો શૈલેષ મહેતા (સોટ્ટા), કેતન ઈમાનદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાએ સંયુક્ત સહી સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તંત્રના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે પડ્યો છે અને અધિકારીઓની મનસ્વીતાને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારને ભીંસમાં લીધી હતી.
સુરતમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં ચૈતર વસાવાએ ભાજપ સરકાર આકરા પ્રહારો કર્યા હતા. ચૈતર વસાવાએ કહ્યું હતું કે, વડોદરા જિલ્લાનાં 5 જેટલા ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને વેદના ઠાલવી કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનુ એકહથ્થુ શાસન હોય તેમ છતા શાસક પક્ષના જ નેતોઓનું તેના જિલ્લાના કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી, કમીશનર કે એેસ.પી. સાંભળતા નથી. તેનણે કહ્યું હતું કે આ 30 વર્ષના એકહથ્થુ શાસનમા જો ભાજપના જ ધારાસભ્યોનુ જો કોઈ ન સાંભળતુ હોય તો આપણા જેવા સામાન્ય માણસોની તો શું દશા થતી હશે?
તેમણે આગળ કહ્યું હતું કે 30 વર્ષના શાસનમાં ભાજપે માત્ર ભય અને ડરનો માહોલ પેદા કર્યો છે. તેમણે આંકલાવની ઘટના ટાંકીને કહ્યું હતું કે ખેડૂતે ગામના સરપંચ વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરી તો તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ થયો. કોઈ વિદ્યાર્થી શિક્ષણના હક માંગે, કોઈ સ્વાસ્થ્યના હક માંગે, કોઈ પીવાનું શુદ્ધ પાણી માંગે તો ભાજપના નેતાઓ તેઓને ડરાવે, ધમકાવે, પોલીસનો ઉપયોગ કરે, રેડ પડાવે છે,, તેવા આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો…ગુજરાતમાં અધિકારી રાજ સામે ભાજપના જ ક્યા 12 ધારાસભ્યો ભડક્યા? શું કરી ફરિયાદ?
શું છે પત્રનો વિવાદ?
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યો—શૈલેષ મહેતા (સોટ્ટા), કેતન ઈમાનદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાએ સંયુક્ત સહી સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તંત્રના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. પત્રમાં જણાવાયું હતું કે વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે પડ્યો છે અને અધિકારીઓની મનસ્વીતાને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે.
ધારાસભ્યોએ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા લખ્યું હતું કે, કલેક્ટર, ડીડીઓ અને પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને માત્ર વીડિયો કોન્ફરન્સ દ્વારા જમીની હકીકત જાણ્યા વગર સરકાર સામે ખોટું ‘ગુલાબી ચિત્ર’ રજૂ કરે છે. સામાન્ય માણસ માટે સરકારી કચેરીમાં કામ કરાવવું એ હવે યુદ્ધ લડવા સમાન બની ગયું છે. અધિકારીઓ પોતાની જાતને જનપ્રતિનિધિઓ અને પ્રજાથી પણ ઉપર સમજીને અંધાધૂંધ વહીવટ ચલાવી રહ્યા છે, જેનાથી સામાન્ય જનતામાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા કામો અધિકારીઓ કરતા નથી, ઉલટું જ્યારે કોઈ નાગરિક ધારાસભ્યની ભલામણ લઈને જાય ત્યારે અધિકારીઓ તેને એવું કહીને ધમકાવે છે કે ‘તમે ધારાસભ્યની મદદ કેમ માંગી?’. આ પ્રકારની ખરાબ માનસિકતા ધરાવતા અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ધારાસભ્યોએ કરી હતી. અગાઉ મૌખિક રજૂઆતો કરવા છતાં સ્થિતિ ન સુધરતા હવે લેખિતમાં વિનંતી કરવામાં આવી હતી કે જનપ્રતિનિધિઓએ સૂચવેલા લોકહિતના કામોને પ્રાધાન્ય આપવામાં આવે.



