સુરત

સુરતમાં બુલડોઝર એકશનઃ 100 કરોડની વધુની કિંમતની સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવ્યા…

સુરતઃ રાજ્યમાં ગેરકાયદે દબાણો તોડવાની કામગીરી યથાવત રહેવા પામી હતી. ગુરુવારના રોજ ૧૦૭ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના આલિશાન બંગલો અને તેના વૈભવી ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી. જે બાદ આજે સુરતમાં જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ.100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

કઈ જગ્યાએ દબાણ દૂર કરવામાં આવ્યા
સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્લી ગેટ, રિંગરોડના વોર્ડ નં.7, સિટી સર્વે નં. 6ની અંદાજે 8037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અંબિકા ઓટોમોબાઇલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલિશનથી તોડી પાડ્યા હતી.

જમીન માત્ર 7 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી
આ જમીન જિલ્લા લોકલ બોર્ડ-સુરતની હતી, ત્યારબાદ વર્ષ 1961થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા આ મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. વર્ષ 1960ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર 7 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી. મુદ્દત પુરી થતા જિલ્લા પંચાયત સુરતની કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ-અલગ નોટીસ આપાઈ હતી પરંતુ, હાલના કબજાદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી-મંજૂરી વગર છેલ્લા 50 વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જાહેર મિલકતો પર કરાયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. આગામી સમયમાં આવા પ્રકારની અન્ય અનધિકૃત દબાણો સામે પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારથી રાજ્યમાં ડિમોલેશનની શરૂઆત થઈ હતી. જે અંતર્ગત રાજ્યના અનેક શહેરોમાં તંત્ર દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button