સુરત

સુરતના પિતા-પુત્રીનાં હિમાલયમાંથી મળ્યા મૃતદેહ, જાણો શું બની કરૂણાંતિકા ?

બારડોલી: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામ પર શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યાં નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા પિતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે. ભારે હિમવર્ષા વચ્ચે સંપર્ક તૂટી ગયાના દિવસો બાદ પર્વતારોહક જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશીના મૃતદેહ આજે અન્નપૂર્ણા વિસ્તારમાં સઘન શોધખોળ બાદ મળી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, કડોદ ગામના રહેવાસી જીગ્નેશભાઈ અને તેમની પુત્રી પ્રિયાંશી કે જે વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી. બંનેને ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃત્તિઓનો ભારે શોખ હતો. આ શોખ પૂરો કરવા માટે તેમણે નેપાળના પડકારજનક અન્નપૂર્ણા-૩ શિખરની ચડાઈ કરવાનું નક્કી કર્યું હતું.

પિતા-પુત્રીની આ જોડી ૧૪ ઓક્ટોબરે નેપાળ જવા રવાના થઈ હતી અને ૨૧ ઓક્ટોબરે તેમણે ચડાઈ શરૂ કરી હતી. તેમનું પરત ફરવાનું ૩૧ ઓક્ટોબરના રોજ નિર્ધારિત હતું. જોકે, ૨૧ ઓક્ટોબરે જ જીગ્નેશભાઈએ તેમની પત્ની જાગૃતિબેન સાથે છેલ્લી વાત કરી હતી, જેમાં તેમણે ભારે હિમવર્ષાને કારણે અન્નપૂર્ણા-૩ તરફના રસ્તા બંધ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.

બે દિવસ સુધી કોઈ સંપર્ક ન થતાં જાગૃતિબેને હોટેલમાં પૂછપરછ કરી, જ્યાંથી જાણવા મળ્યું કે તેઓ પાછા ફર્યા નથી. આ પછી, કડોદ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને માંડવીના સાંસદ પ્રભુ વસાવાની કચેરી દ્વારા વિદેશ મંત્રાલય અને કાઠમંડુમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરીને મદદની વિનંતી કરવામાં આવી હતી.

ભાવનાત્મક અપીલ કરતા જાગૃતિબેને અગાઉ કહ્યું હતું કે, “મને ભારત સરકાર પાસેથી એવી અપેક્ષા અને વિનંતી છે કે તમે મારી પુત્રી અને મારા પતિને શોધી કાઢો અને તેમને જલદી ઘરે લાવો.” દુઃખની વાત છે કે તેમની આ અપીલ ફળી શકી નહીં.

બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય પ્રધાન કાર્યાલય અને વડાપ્રધાન કાર્યાલયનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. ભારતીય દૂતાવાસ નેપાળ પોલીસ અને પરિવારના સતત સંપર્કમાં હતું. કમનસીબે, ભારે હિમવર્ષામાં આ બંનેએ સંપર્ક ગુમાવ્યો હતો અને વિપરીત હવામાનનો ભોગ બન્યા હતા.”

સાંસદ પ્રભુ વસાવા પણ સમગ્ર શોધખોળ દરમિયાન પરિવાર અને સત્તાવાળાઓના સંપર્કમાં રહ્યા હતા. નેપાળી સત્તાવાળાઓએ હવે મૃતદેહોને પાછા લાવવા અને જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો…ગુજરાતના પિતા-પુત્રીની જોડી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button