ભાજપના ધારાસભ્યનો કમિશનરને પત્ર: ડ્રગ્સ વેચાણ અને દબાણનો કાયમી ઉકેલ કેટલા દિવસમાં લાવશો?

સુરત: વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને લખેલો પત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, જેમાં તેમણે શહેરના મુખ્ય વિસ્તારો અને ઓવરબ્રિજની નીચે થયેલા ગેરકાયદે દબાણ અને ત્યાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું હતું કે, સૂર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા સુધીના ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે મોટા પાયે લોકોએ ગેરકાયદે વસવાટ કર્યો છે. આ વિસ્તારોમાં જેસીબી, ટ્રક, અને ટેમ્પા જેવા મોટા વાહનોનું પાર્કિંગ પણ થાય છે. તેમણે કહ્યું હતું કે આ દબાણની આડમાં અફીણ, ગાંજો અને ડ્રગ્સ જેવા ગેરકાયદેસર નશીલા પદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે, જેને કારણે વિસ્તારમાં પારાવાર ગંદકી પણ ફેલાય છે.
આ ગંભીર સમસ્યા અંગે અગાઉ પણ અનેકવાર લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક કામગીરી કરીને પ્રશ્નનો કાયમી ધોરણે હલ કરવામાં આવતો નથી, જે એક ચિંતાનો વિષય છે.
તેમણે સુરત મનપા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સંકલન કરીને આ ગેરકાયદે દબાણ અને ગેરકાયદેસર ધંધાના પ્રશ્નનો કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવામાં આવશે તે અંગે લેખિતમાં જવાબ માંગ્યો હતો.
આ પણ વાંચો…વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના સાવરકુંડલામાં કેમ લાગ્યા બેનર? જાણો વિગત



