સુરતમાં સ્વાગત માટે કોઈ ઉભું ન રહેતા ભાજપના મંત્રી અકળાયા, જાણો વિગત

સુરતઃ શહેરમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચનું આયોજન થયું હતું. જેમાં મંત્રી મુકેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મંત્રી જ્યારે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ સ્વાગત માટે ઉભું ન હોવાથી તેઓ અકળાયા હતા અને કાર્યક્રમમાં હાજરી આપ્યા વગર જ પરત ફરતા હતા. આ વાતની જાણ આયોજકોને થતાં તેમણે મંત્રીને મનાવીને મામલો થાળે પાડ્યો હતો. આ અંગેનો વીડિયો સુરતના વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં વાઇરલ થયો હતો.
સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સેલિબ્રિટી લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બોલિવુડના અનેક અનેક સિતારા ભાગ લેવાના છે. આ મેચના ઉદ્ઘાટનમાં આમંત્રિત તરીકે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલને બોલાવવામાં આવ્યા હતા. જોકે તેમને આવકારવા માટે સ્ટેડિયમના ગેટ ઉપર કોઈ ઉભું ન હતું. તેનાથી મુકેશ પટેલ નારાજ થઈ ગયા હતા. મુકેશ પટેલ ગુસ્સામાં સ્ટેડિયમની બહાર નીકળી ગયા હતા અને આયોજક સાથે ફોન પર વાત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, એક વ્યક્તિ સ્વાગત કે આવકારવા માટે ઊભું ન હોય તે ચાલે નહીં. તેઓ ગુસ્સામાં ફોન ઉપર વાત કરતા કરતા બહાર નીકળી ગયા હતા અને પોતાની ગાડી બોલાવી લીધી હતી. તેવો એક વીડિયો વાઇરલ થયો હતો.
આ પણ વાંચો…ગાંધીધામ સંકુલની પાંચ ટીમ્બર પેઢીની આટલા કરોડની જીએસટી ચોરી પકડાઈ
મંત્રી મુકેશ પટેલનો ગુસ્સો જોઈને આયોજકોને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને તેઓ તાત્કાલિક તેમને મનાવવા માટે દોડ્યા હતા. મુકેશ પટેલને વિનંતી કર્યા બાદ આયોજકોએ તેમની સ્વીકારી હતી. મુકેશ પટેલ માની જતાં તેમને ક્રિકેટ સ્ટેડિયમની અંદર લઈ જવામાં આવ્યા હતા અને મેચનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રી આયોજકોને ખખડાવતાં હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો.