સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખે CM-પાટીલના ફોટા મૂકી રસ્તા પર બર્થ-ડે ઉજવ્યો…

સુરતઃ શહેરમાં ભાજપના વોર્ડ પ્રમુખે મુખ્ય પ્રધાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ફોટા મૂકી રસ્તા પર બર્થ ડે ઉજવ્યો હતો. જેના કારણે શહેરમાં ફરી એક વખત કાયદાની સ્થિતિ પર સવાલ ઉભા થયા હતા. મળતી વિગત પ્રમાણે, શહેરના ભાજપ વોર્ડ નં. 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધના વિસ્તારમાં ધામધૂમથી ઊજવ્યો હતો.
આ ઉજવણી ઉધનામાં આવેલી સાંઇબાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર કરવામાં આવી હતી. આ ઉજવણીમાં તેમણે કેક કાપી હતી, જેના પર મુખ્ય પ્રધાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ફોટો પણ હતો.

વોર્ડ પ્રમુખના સમર્થકોએ જાહેર માર્ગ પર ફટાકડા ફોડ્યા હતા અને રસ્તા પર ઉજવણી કરીને આખા રોડને જાણે બાનમાં લીધો હતો. જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં ખેરનારે પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરીને જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો.
બર્થ ડે સેલિબ્રેશનના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભાજપના પ્રમુખની જાહેર માર્ગ પરની આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વાયરલ વીડિયો મુજબ, જાહેર માર્ગને બ્લોક કરીને કેક કાપવામાં આવી હતી અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેનાથી ટ્રાફિકને અસર થઈ હતી. સત્તાધારી પક્ષના વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોવાથી લોકો રોષે ભરાયા હતા અને આ કેસમાં પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વીડિયો વાયરલ થયા બાદ પ્રકાશ ખેરનારે જણાવ્યું હતું કે, જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર નહીં પણ સોસાયટીની અંદર કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આ ઉજવણી કાર્યકર્તાઓની લાગણી અને ઉત્સાહને માન આપીને કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જો કોઈ સામાન્ય નાગરિક આ પ્રકારે નિયમોનો ભંગ કરી ઉજવણી કરે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરી ‘બિફોર-આફ્ટર’નો વીડિયો બનાવે છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. ત્યારે શું આ કિસ્સામાં પણ પોલીસ આવી જ કાર્યવાહી કરવાની હિંમત દાખવશે? તેવો વેધક સવાલ પણ નાગરિકોએ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો…સુરત ભાજપના કાર્યાલયમાં ‘મારામારી’નો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો: પોલીસ ફરિયાદ થઈ