મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 480 કરોડના વિકાસ કામોની આપી ભેટ

સુરતઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ, 15મી નવેમ્બરને દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી નવતર પરંપરા સમગ્ર આદિવાસી સમાજનું મોટું સન્માન છે. એટલું જ નહીં દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સેંકડો વર્ષ સુધી આદિવાસીઓએ ચલાવેલી લડતના યોગદાન પણ તેમણે ઉજાગર કર્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની આ વર્ષે ઉજવાઈ રહેલા ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં સુરતના માંડવી ખાતે આયોજિત સમારોહના અધ્યક્ષસ્થાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંબોધન કર્યું હતું. તેમણે આ અવસરે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 480 કરોડના 2500 જેટલા વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.આ ઉપરાંત આદિવાસી વિભાગના વિવિધ યોજનાઓના સવા કરોડ રૂપિયાના લાભ સહાયનું વિતરણ અને 1 કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એનાયત કરી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિજાતિ બહેનોએ મુખ્ય પ્રધાનને રક્ષાબંધન પણ કર્યું હતું
મુખ્ય પ્રધાને ભગવાન બિરસા મુંડાએ “અબુઆ દિશુમ – અબુઆ રાજ” એટલે કે આપણો દેશ આપણું રાજના મંત્ર સાથે આદિવાસી યુવાઓને આઝાદી જંગ માટેની પ્રેરણા આપી હતી તેનું સ્મરણ કરીને ભગવાન બિરસા મુંડા ની ભાવ વંદના કરી હતી.તેમણે ઉમેર્યું કે, આદિવાસી સમાજના ઉત્થાન માટે અત્યંત સંવેદનશીલ એવા ભગવાન બિરસા મુંડાના કાર્યો, જીવન કવનને આઝાદીના દશકો સુધી ઉપેક્ષિત રાખવામાં આવ્યા અને આદિવાસી સમાજ વિકાસથી વંચિત રહ્યો હતો.
આ પણ વાંચો: વડા પ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી
આ સંદર્ભમાં તેમણે દેશમાં 24 હજાર કરોડની પી.એમ. જનમન યોજના તેમજ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે રાજ્યના 102 તાલુકાના 4,265 ગામોને યોજનાકીય લાભ અને વન અધિકાર અધિનિયમ-2006 અંતર્ગત 68 હજાર હેક્ટર વન જમીનના અધિકારપત્રો રાજ્યમાં આપવામાં આવ્યા છે તેની ભૂમિકા આપી હતી. રાજ્ય સરકારે આદિજાતિ વિદ્યાર્થીઓને એક દસકામાં 4300 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ અભ્યાસ માટે આપી છે તેમ પણ તેમણે કહ્યું હતું.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે, ગુજરાતના આદિવાસીઓએ આઝાદીની લડતમાં આપેલા યોગદાન અને એમની શહાદતની સ્મૃતિમાં વડા પ્રધાનની પ્રેરણાથી માનગઢમાં ગોવિંદ ગુરુ શહીદ વન, પાલદઢ વાવમાં વિરાંજલી વન તેમજ આદિવાસી સમાજનાં આસ્થા કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં આદિવાસીઓના સહયોગને મહત્વનો ગણાવતા કહ્યું કે, વનબંધુ કલ્યાણ યોજનાથી આદિવાસીઓ માટે વૈશ્વિક વિકાસની તકો ખુલી છે.
આ પણ વાંચો: બિરસા મુંડાના પરપૌત્ર મંગલ મુંડાનું નિધન, PM મોદી અને CM સોરેને શ્રદ્ધાંજલિ પાઠવી…
તેમણે “વોકલ ફોર લોકલ” સ્વદેશીના વધુને વધુ ઉપયોગની વડા પ્રધાનની હાકલ આદિવાસી સમાજ સ્થાનિક ઉત્પાદનો, કલાકારીગરીની ચીજવસ્તુઓ, મિલેટ અન્નના વ્યાપક ઉપયોગથી ઝિલી લે તેવો અનુરોધ પણ કર્યો હતો.