સુરત

છતે પૈસે સુરતના 32 હીરા વેપારી પૈસા વિનાના, જાણો શું છે કારણ?

સુરત: સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની શંકાના આધારે હેદરાબાદ અને બેંગલુરુ પોલીસે સુરત શહેરના 32 જેટલા હીરા વેપારીઓના બેન્ક એકાઉન્ટ સીઝ કરી દીધાં હતાં. જેમાં હીરા વેપારીઓના અંદાજીત 100 કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વારંવાર આ પ્રકારે એકાઉન્ટ સીઝ થઈ જતાં હોવાથી અંતે કંટાળીને વેપારીઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને રજૂઆત કરવાની વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો: શિક્ષિકા જ સાયબર ફ્રોડના શિકાર બન્યાઃ કચ્છમાં ફરી ડિજિટલ એરેસ્ટનો કેસ…

સાયબર ફ્રોડની શંકાના આધારે એકાઉન્ટ સીઝ

આ અંગે વાત કરતાં વેપારીઓએ જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થવાની શંકાના આધારે એકાઉન્ટ સીઝ થવાથી વેપારીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે. જેનો કેન્દ્ર સરકાર ઉકેલ લાવે તે જરૂરી છે. ગત સપ્ટેમ્બર મહિનામાં પણ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની પોલીસ દ્વારા સુરતના હીરા અને જ્વેલરીના વેપારીઓના 50 જેટલાં બેન્ક એકાઉન્ટ સીઝ કરી દેવાયા હતાં.

આ પણ વાંચો: સાયબર ફ્રોડના 100થી વધુ ગુનામાં સંડોવાયેલા બે યુવક ચેન્નઈમાં પકડાયા

આ દરમિયાન સુરત શહેરની એક કંપનીએ હૈદરાબાદ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે આદેશ કર્યો હતો કે, પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેમાં સમગ્ર એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવે છે, પરંતુ જેટલી રકમ સાઈબર ફ્રોડ દ્વારા ટ્રાન્સફર થઈ હોય તેટલી જ રકમ સીઝ કરવા માટે પોલીસે જે-તે બેન્કને સૂચના આપવી જોઈએ.

ગૃહ પ્રધાન અમિત શાહને રજૂઆત

ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે ગત વખતે 50 વેપારીઓનાં ખાતાં સીઝ થયાં હતાં, પરંતુ ફરી એક સાથે 32 ખાતાં સીઝ કરવામાં આવ્યા છે. અમારી કંપનીનું પણ ખાતું સીઝ થયું છે અને હવે આ મામલે ગૃહ પ્રધાન અમિત શાહને રજૂઆત કરીશું. સપ્ટેમ્બરમાં 50 એકાઉન્ટ સીઝ થયા હતાં ત્યારે શહેરના વેપારીઓના અંદાજીત 500 કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button