સુરતના શાહ દંપતીએ સ્ટાર્સનો ઉપયોગ કરીને કરોડોનું ફૂલેકું ફેરવ્યું

સુરતઃ શહેરમાં રોકાણકારોનું ફૂલેકું ફેરવ્યું હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. શહેરના સિંગણપોર કોઝવે રોડ પર આવેલા સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઈન્વેસ્ટમેન્ટ નામે શેર ટ્રેડિંગ ઓફિસ ચલાવનાર હાર્દિક શાહ અને તેની પત્ની પૂજાના કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.
દંપતીએ રોકાણકારોને 100 દિવસમાં 12થી 15 ટકાના વળતરનું આકર્ષક લાલચ આપી અનેક લોકોને જાળમાં ફસાવ્યા હતા. લોકોને પોતાની ઝાળમાં ફસાવવા માટે તેમણે અનેક જાણીતા ઇન્ફ્લુએન્સર્સ અને સેલેબ્સ દ્વારા જાહેરાતો કરાવી હતી. આ દંપતી સામે સીઆઈડી ક્રાઇમ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હાલ બંને જેલના સળીયા પાછળ છે.
આ લોકોએ કર્યો હતો પ્રચાર
આ દંપતીએ પોતાની આ સ્કીમની જાહેરાત જાણીતા ફિલ્મ સ્ટાર જાનકી બોડીવાલા, પૂજા જોશી અને મિત્ર ગઢવી જેવા લોકો પાસે કરાવી હતી. આ ઉપરાંત દંપતીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની પાસેથી પણ આ સ્કીમ વિશે જાહેરાત કરાવી હતી. જેનાથી આકર્ષાઇને અનેક લોકો તેમજ વેપારીઓએ હજારો-લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું.
આપણ વાંચો: પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે કરોડોનું ‘ફૂલેકું’ ફેરવ્યું: 650 લોકો ભોગ બન્યા
દંપતી હાલ છે જેલમાં
શાહ દંપતી વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચૂક્યા છે. સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીના 1.33 કરોડ ફસાતા સીઆઈડી ક્રાઈમમાં ઠગાઇનો ગુનો દાખલ થયો હતો. આમ 1.63 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું. હાલ શાહ દંપતી જેલમાં બંધ છે.
ઠગાઈનો ભોગ બનેલા વધુ લોકો સામે આવે તેવી શક્યતા
પોલીસના જણાવ્યા પ્રમાણે, શાહ દંપતી સામે અત્યાર સુધીમાં ચોક બજારમાં ચાર ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે અન્ય બે ભોગ બનનાર દ્વારા CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ દંપતીએ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે ઘણા લોકો સાથે ઠગાઈ કરી હતી. આ કેસ સામે આવ્યા બાદ ઠગાઈનો ભોગ બનેલા વધુ લોકો સામે આવે તેવી શક્યતા છે.