
સુરતઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. રવિવારે રાત્રે તેઓ સુરત પધાર્યા હતા. આ દરમિયાના રાત્રે તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસ સ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી.
સુરત પહોંચ્યા બાદ અમિત શાહ સીધા જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બેઠકમાં રાજ્યના પ્રધાનો અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા હતા. તેમની આ મુલાકાત રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લાંબા સમયથી પ્રધાન મંડળ વિસ્તરણ અને નવા પ્રદેશ પ્રમુખના નામની અટકળો ચાલી રહી છે. જોકે નવરાત્રિનો આરંભ થઈ ગયો હોવા છતાં આ અંગે કોઈ સળવળાટ શરૂ થયો નથી. જેથી આ અંગેની ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 20 જુલાઈના દિવસે સીઆર પાટીલને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે 5 વર્ષ પૂર્ણ થયા હતા.

ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ ક્યાં વિસ્તારમાંથી આવશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત ભાજપની હાલની સ્થિતિ જોતા નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી આવશે તેવી અટકળો થઈ રહી છે, કારણકે સૌરાષ્ટ્રમાં અમરેલી હોય કે પછી રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, વગેરે સ્થળો પર ભાજપમાં આંતરિક વિખવાદ થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં ભાજપ સ્થિતિ મજબૂત કરવા માટે અને બધાં નેતાઓને સાથે લઈને ચાલે એવા નેતાને પ્રમુખ પદ મળે તેવી સંભાવના જોવા મળી છે. આ અંતર્ગત થોડા દિવસ પહેલા વડા પ્રધાને અમદાવાદમાં સૌરાષ્ટ્રવાસીઓની બહુમતીવાળા નિકોલ વિસ્તારમાં રોડ શો અને સભા યોજી હતી. શનિવારે ભાવનગરમાં રોડ શો અને સભા યોજી હતી. અમિત શાહ પણ રાજકોટમાં એક કાર્યક્રમાં આજે હાજરી આપશે.

ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 156 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો તેમ છતાં વિસાવદર સીટ જીતી શક્યા નહોતા. તાજેતરમાં થયેલી વિસાવદર પેટાચૂંટણીમાં આ સીટ જીતવા ભાજપે નેતાઓની ફોજ ઉતારી હતી. તેમ છતાં ભાજપ જીતી શક્યું નહોતું. સૌરાષ્ટ્રમાં સંઘ અને સંગઠનમાં મજબૂત ચહેરો હોય તેવા નેતાને ગુજરાતની કમાન સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો…અમિત શાહ ગુજરાત પ્રવાસે: સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, વિકાસકાર્યોનું લોકાર્પણ અને ગરબા મહોત્સવમાં આપશે હાજરી