
સુરતઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી હોવા છતાં તેઓ સતત તેમના લોકસભા વિસ્તારની મુલાકાત લેતા રહે છે. નવરાત્રિની પૂર્વ સંધ્યાએ સમયે અમિત શાહ સુરતમાં આવ્યા હતા. સુરત મુલાકાતમાં તેમણે એવું કર્યુ કે રાજકીય પંડિતો પણ ચોંકી ગયા હતા.
રાજકીય પંડિતો પણ ચોંકી ગયા નવી અટકળોથી
અમિત શાહ સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાને ગયા હતા અને પરિવાર સાથે મુલાકાત કરી હતી. અમિત શાહ પાટીલના માતાને પણ મળ્યા હતા. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ ગમે ત્યારે જાહેર થશે તેવી અટકળો વચ્ચે આ મુલાકાત સૂચક માનવામાં આવે છે.
પાટીલ અને શાહ વચ્ચે સુમેળભર્યા સંબંધ ન હોવાની થતી રાજકીય ચર્ચાઓ વચ્ચે શાહના આ પગલાંથી રાજકીય પંડિતો પણ ચોંકી ગયા હતા. શાહે ટીકાકારોને સંદેશ આપ્યો કે જો તેઓ સુરતમાં છે તો પાર્ટીના નેતાના ઘરે જવામાં તેમને કોઈ સંકોચ નથી.
હાલ સુરત ગુજરાતના રાજકારણનું છે ‘પાવર સેન્ટર’
કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સીઆર પાટીલ ગુજરાત ભાજપના સૌથી સફળ પ્રદેશ પ્રમુખ સાબિત થયા છે. સંગઠન પર તેમના નજીકના લોકો જ છે. સુરતમાં અમિત શાહની સી આર પાટીલના નિવાસ સ્થાને પરિવારજનો સાથે મુલાકાત બાદ ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ ટૂંક સમયમાં જાહેર થવાની અટકળો વેગીલી બની છે.
છેલ્લા થોડા વર્ષોથી સુરત ગુજરાતમાં રાજનીતિનું પાવર સેન્ટર છે. સી આર પાટીલ અહીંયાથી કેન્દ્રીય પ્રધાન છે તો સુરતના પાંચ ધારાસભ્યો રાજ્ય સરકારમાં પ્રધાન છે.
આડકતરો સંદેશ પણ મળી ગયો છે
રાજકીય પંડિતોના કહેવા મુજબ અમિત શાહ જેના નામ પર મહોર મારશે તેને સંગઠનની પણ કમાન મળશે. જે લોકો પાટીલ અને શાહ વચ્ચેના સંબંધો બરાબર નથી તેમ કહેતા હતા તેમને આડકતરો સંદેશ પણ આપ્યો હતો. જોકે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે નવી ટીમમાં સીઆર પાટીલ અને તેમના નજીકના લોકોને સમાવવામાં આવી શકે છે.
શાહના પ્રવાસમાં તમામ એકસાથે જોવા મળ્યા
આ ઉપરાંત અમિત શાહની સુરત મુલાકાત બાદ તમામ દિગ્ગજો એક ફ્રેમમાં જોવા મળ્યા હતા. પાટીલથી અંતર જાળવતાં પૂર્ણેશ મોદી પણ તેમની બાજુમાં ઉભા હતા. મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય સંદીપ દેસાઈ, કિશોર કાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય ગલીઓમાં પૂર્ણેશ મોદી અને પાટીલ વચ્ચે સારા સંબંધ ન હોવાની ચર્ચા થતી હતી. જોકે આ તસવીરે તે વાતનો પણ છેદ ઉડાડ્યો હતો. શાહના પ્રવાસ દરમિયાન તમામ એકસાથે જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પાટીલ પ્રદેશ પ્રમુખે પાંચ વર્ષ પૂરા કરી ચુક્યા છે. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નહીં થવાથી હજુ રાજ્યમાં નવી ટીમ બની શકી નથી. જિલ્લા અને શહેરોની ટીમનો મામલો પણ અટકેલો છે. શાહના સુરત, રાજકોટ અને અમદાવાદ પ્રવાસ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની સંભાવના વધી ગઈ છે.
આ પણ વાંચો…સુરતઃ અમિત શાહે સી.આર. પાટીલના ઘરે બેઠકમાં શું કરી ચર્ચા?