સુરતમાં ભાજપના પાટીદાર નેતાએ ગ્રાહકને વાળ પકડીને ફટકારીને ગાળો આપ્યાની પોલીસ ફરિયાદ

સુરતઃ શહેરમાં ભાજપના પાટીદાર નેતાએ ગ્રાહકને વાળ પકડીને પટકારીને ગાળો આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. મળતી વિગત પ્રમાણે, ઉત્તરાયણ વખતે પતંગની દુકાનમાં ભાવતાલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ હતી.
શું છે મામલો
વરાછામાં રહેતો 27 વર્ષીય યુવક તેના મિત્રો સાથે ઉત્તરાયણ પર પતંગની ખરીદી કરવા નીકળ્યો હતો. સરથાણાના કિરણ ચોક પાસે આવેલા ‘પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ’ પર પહોંચ્યા હતા. ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોલ સંચાલક (અલ્પેશ કથિરીયાના ભાઈ) વચ્ચે રકઝક થઈ હતી. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. પરિસ્થિતિ વણસતા સ્ટોલ સંચાલકે તેના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને સ્થળ પર બોલાવ્યા હતા.
અલ્પેશ કથીરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો હતો. અલ્પેશ, તેના ભાઈ અને અન્ય એક શખ્સે મળીને ગાળાભાળી કરી હતી. વાત ત્યાંથી ન અટકતા, ત્રણેય શખ્સોએ ધોલધપાટ કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવક અને તેના મિત્રો તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા નેતા અલ્પેશ કથીરિયા સામે ફરિયાદ નોંધાતા સુરતના રાજકારણમાં અને પાટીદાર સમાજમાં ભારે ચર્ચાઓ જાગી હતી.
અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની છે. તેઓ સુરતના નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. તેમણે LLBનો અભ્યાસ કર્યો છે. અલ્પેશને ધોરણ 12 સુધી તો અનામત શું છે ખબર જ ન હતી. લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ખબર પડી કે પાટીદારોને અન્યાય થાય છે. તેમને એક પ્લેટફોર્મની જરૂર હતી. 2015માં હાર્દિક પટેલ સુરત ગયા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ અને પાટીદાર અનામત આંદોલનમાં જોડાયા.
ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા. 2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથીરિયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. 2022માં આપમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. અલ્પેશ કથીરિયા આ પહેલા પણ વિવાદમાં આવી ચુક્યા છે.



