સુરતમાં ‘ફિલ્મી’ સ્ટાઈલથી ભાગ્યો આરોપી: પોલીસને થાપ આપી તાપી નદીમાં કૂદ્યો; શોધખોળ શરૂ

સુરત: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક આરોપી પોલીસને થાપ આપીને તાપી નદીમાં કૂદી ગયો હતો. આ ઘટના કોઝવે પર બની હતી, જ્યાં પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી ત્યારે તેણે તકનો લાભ ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી કોઝવે પરના પાળા પરથી તાપી નદીમાં કૂદી ગયો હતો અને ત્યારબાદ નદીની વચ્ચે આવેલા એક ટાપુ પર પહોંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક બે ફાયર સ્ટેશનની ગાડીઓ અને ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની એક બોટ અને સ્થાનિક લોકોની બે બોટની મદદથી તાપી નદીમાં આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગ આરોપીને શોધી કાઢવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે.
આ પણ વાંચો - શોકિંગ, ગુજરાતમાં વધુ એક આપઘાતઃ સુરતમાં 23 વર્ષની યુવતીએ ભર્યું અંતિમ પગલું
આરોપી ધરપકડથી બચવા પાંચમા માળે ચઢ્યો
ગઇકાલે આવી ઘટના અમદાવાદમાં બની હતી, જેમાં શહેરના ઓઢવ વિસ્તારમાં વોન્ટેડ આરોપી ધરપકડથી બચવા પાંચમા માળે ચઢ્યો હતો. પોલીસને જોઈ તેણે ત્યાંથી કૂદવાની ધમકી આપી હતી. કોઈ વ્યક્તિએ આ ઘટનાક્રમ કેમેરામાં કેદ કરી લીધો હતો. પોલીસ પકડી ન જાય એ માટે એપાર્ટમેન્ટના પાંચમા માળની છાજલી પર ચઢી ગયો હતો. ત્યાંથી બૂમો પાડતો હતો કે જો તેને કોઈ પકડવાની કોશિશ કરશે તો હું પાંચમા માળેથી કૂદી જશે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. એ બાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને ત્રણ કલાકની સમજાવટ બાદ આરોપીને નીચે ઉતાર્યો હતો. એ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.