
સુરતઃ સુરતમાં આગની વધુ એક ઘટના બની હતી. પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી ટેક્સટાઇલ મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટ્યું હતું. જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આગના ધુમાડા દૂર સુધી જોવા મળ્યા હતા. મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે.
આગનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પલસાણા તાલુકાના જોળવા ગામમાં સંતોષ ટેક્સટાઇલમાં ડ્રમ ફાટવાથી આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદોરાના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે 20થી વધુ ઘાયલ થયા હતા.
આપણ વાંચો: Surendranagar ના રળોલ ગામે આગ ફાટી નીકળી, ચાર લોકોના મોત…
કામદારોએ જીવ બચાવવા ભાગદોડ કરી
કામદારો તેમના કામમાં મશગૂલ હતા ત્યારે અચાનક કેમિકલ ભરેલા ડ્રમમાં ધડાકો થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે જોતજોતામાં જ મિલને આગની લપેટમાં લઈ લીધી હતી. આગના કારણે મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. કામદારોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી.
મિલમાં આગ લાગ્યાના સમાચાર ફેલાતાં જ ત્યાં કામ કરતાં કામદારોના પરિવારજનો પણ પહોંચી ગયા હતા. સ્વજનો અંદર ફસાયા હોવાના સમાચાર સાંભળી પરિવારજનોએ રોકકળ કરી હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે, હજુ કેટલાક કામદારો ગુમ છે અને મૃત્યુઆંક વધી શકે છે.
આપણ વાંચો: Los Angelesમાં વધુ એક વિકરાળ આગ ફાટી નીકળી; 50,000 લોકોને સ્થળાંતર કરવાનો આદેશ
ડ્રમ ફાટવાનું કારણ જાણવા વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે
મૃતકના સંબંધીએ જણાવ્યું કે, ડ્રમ ફાટતાં મારા ભત્રીજાનું મોત થયું છે. મેનેજર ગેટ પર હતો પરંતુ તેએ અમે કાઢી મુક્યા હતા. કંપનીનો માલિક પણ ફરાર થઈ ગયો હતો. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, કેમિકલ ડ્રમ ફાટવાનું ચોક્કસ કારણ જાણવા વિશેષ તપાસ કરવામાં આવશે.