Surat ના પાંડેસરામાંથી ત્યજેલું નવજાત મળ્યું, પોલીસે તપાસ શરૂ કરી…

અમદાવાદઃ સુરતમાં(Surat) ફરી એકવાર માનવતા શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો હતો. સુરતના પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બાળભ્રૂણ સમાન નવજાત ભૃણ મળી આવ્યું હતું. આ કરુણ ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં આઘાત ફેલાયો હતો. વડોદ ગામના એક ખુલ્લા પ્લોટમાંથી બાળકનું ભ્રૂણ મળતાં સ્થાનિકોએ તરત જ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પાંડેસરા પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આ ભૃણ તાજું જન્મેલું હતું અને બેદરકારીપૂર્વક ત્યાં ફેંકવામાં આવ્યું હોવાની શંકા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં માતાની તૂટતી કબર બચાવવા યુવક ગયો હાઇ કોર્ટમાં, જાણો વિગત
આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ
નવજાતને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની વધુ તબીબી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૃણ કેટલા દિવસનું હતું અને તે ક્યાંથી લાવવામાં આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવશે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ‘આવું કૃત્ય શરમજનક છે, નિર્દોષ બાળભૃણને આ રીતે ફેંકી દેવું અમાનવીય છે એમ એક રહેવાસીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : વડોદરાના આ હતભાગી પરિવારોને હજુ ન્યાય મળ્યો નથીઃ એક વર્ષે યાદ આવી તે ગોઝારી ઘટના
સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે
પાંડેસરા પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી છે. માતા અને ભ્રૂણ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભૃણને અહીં કોણ ફેંકી ગયું એ શોધવા માટે સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવી રહ્યાં છે તેમજ નજીકના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.