Top Newsસુરત

‘ગુજરાત ભાજપના બાપનું નથી કે ભાજપના નેતાઓના છોકરાઓના બાપનું પણ નથી’: ગોપાલ ઈટાલિયા

પાર્ટી ‘ના બેટાનું ના બાપનું, ગુજરાત હવે આપનું’ સ્લોગન લોન્ચ કર્યુ

સુરતઃ ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થશે. રાજકીય પક્ષો આ માટે અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. પાર્ટીએ નવા સ્લોગન સાથે સ્થાનિક સ્વરાજય ચૂંટણીનું અભિયાન શરૂ કર્યું હતું. પાર્ટીએ ‘ના બેટાનું ના બાપનું, ગુજરાત હવે આપનું’ આ સ્લોગન સાથે શરૂઆત કરી હતી.

શું બોલ્યા ગોપાલ ઈટાલિયા

આ અંગે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું, આજે ગુજરાતની સ્થિતિ જુઓ તો બાપ-બેટાની જોડી બની ગઈ છે. નેતા ભાજપમાં રહીને બે નંબરના ધંધા કરે અને દીકરો અલગ બે નંબરના ધંધા કરે. તમે જોયું હશે કે અનેક ભાજપ નેતાઓના દીકરાઓ અનેક પ્રકારના ક્રાઈમમાં પકડાયા છે.

કોઈ મનરેગામાં પકડાયું, કોઈ ડ્રગ્સ વેચતા પકડાયું, કોઈ દારૂમાં પકડાયું, કોઈ સરકારી કોન્ટ્રાક્ટમાં કટકીમાં પકડાયું, કોઈ તોડબાજી કરતા પકડાયું, કોઈ મારામારી કરતા પકડાયું. ભાજપના નેતાઓની દાદાગીરી અલગ, દીકરાઓની દાદાગીરી અલગ. બાપ પણ ભાજપમાં અને બેટો પણ ભાજપમાં, બાપ-બેટાની જોડી મળી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનતાનું શોષણ કરી રહ્યા છે. એવા કેટલાય કિસ્સાઓ છે જેમાં બાપા ભાજપમાં હોવાના કારણે દીકરાઓ જનતા ઉપર વટ મારતા હોય છે. કેટલાક ભાજપના નેતાઓના દીકરાઓ એક્સિડેન્ટ કરી નાખે છે.

બાપ-બેટાની જોડી ગુજરાતને બરબાદ કરી રહી છે. અનેક એવા કિસ્સાઓ છે. આમાં કોનું નામ લેવું અને કોનું નામ છોડી દેવું ચિંતાનો વિષય છે. દરેક જગ્યાએ બાપ-બેટાની જોડીથી ગુજરાતની જનતા પરેશાન છે. ગામડા લેવલથી લઈ રાજ્ય સરકાર સુધી આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે, નહીં બેટાનું નહીં બાપનું ગુજરાત હશે હવે આપનું.

ગુજરાતના લોકોએ આપેલા મતના આધારે જ ભાજપના નેતાઓ અને તેમના બેટાઓ બેફામ બન્યા છે. એટલે હવે બાપ-બેટાની જોડીને ઘર ભેગી કરી આપનું એટલે કે સામાન્ય લોકો, ખેડૂતો, મહિલાઓ, વંચિતો આમ જનતાનું શાસન આવે એવા વિચાર સાથે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે.

આમ આદમી પાર્ટી ના બાપનુ ના બેટાનું ગુજરાત હવે આપનું આ નારો લઈ જઈને આ વાત પહોંચાડશે કે ગુજરાત ભાજપના બાપનું નથી, કે ભાજપના નેતાઓના છોકરાઓના બાપનું નથી. ગુજરાત આપનું એટલે કે આમ જનતાનું, ખેડૂતોનું, સામાન્ય લોકોનું, પરસેવો પાડીને જીવતા લોકોનું ગુજરાત છે.

આ ઉપરાંત ગોપાલ ઈટાલિયાએ કહ્યું, ગુજરાતની જનતાએ વર્ષો સુધી મજબૂરીમાં ભાજપને વોટ આપ્યો અને આ એકહથ્થા શાસનના કારણે ભાજપને અભિમાન આવી ગયું અને ભાજપના નેતાઓ એવું વર્તન કરવા લાગ્યા કે ગુજરાત એમના બાપનું હોય. જ્યાં મન થાય ત્યાં બુલડોઝર ચાલી જાય, ભાજપના નેતાઓને ધંધો કરવો હોય તે જમીન એને આપી દેવામાં આવે. અમે જનતાને યાદ કરાવવા માંગીએ છીએ કે આ ગુજરાત ભાજપનું નથી, આ ગુજરાત જનતાનું છે.

પાર્ટીના સંગઠન મહાસચિવ મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, AAPએ સમગ્ર ગુજરાતમાં જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભા મતવિસ્તારોમાં અને દરેક ગામડાઓમાં AAPના પોસ્ટરો લગાવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાનો અને તેમને પરિવર્તનની આ ક્રાંતિમાં સામેલ કરવાનો છે.

છેલ્લા 30 વર્ષથી ગુજરાતનું કેટલાક પરિવારો, મોટા ઉદ્યોગપતિઓ અને રાજકીય વારસદારો દ્વારા શોષણ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, પાર્ટીના કાર્યકરો અને કેડર રાજ્યના ખૂણે ખૂણે જઈને લોકોમાં જાગૃતિ લાવશે અને છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહેલા અન્યાય અને અત્યાચાર સામે તેમને એકજૂથ કરશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button