સુરતમાં લિવ ઈનમાં રહેતી યુવતીનुं શંકાસ્પદ મોત, યુવક ફરાર થઈ જતાં અનેક તર્કવિતર્ક…

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ફરી એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. લિવ ઈનમાં રહેતી એક યુવતીનું શંકાસ્પદ મોત થયું હતું. યુવતીના મોત બાદ તે જે યુવક સાથે રહેતી હતી તે ફરાર થઈ ગયો હતો.
મળતી વિગત પ્રમાણે, સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતાં મૃત જાહેર કરાઈ હતી. ગળા પર ઈજાનાં નિશાન હોવાથી પરિવારજનો દ્વારા લિવ-ઈનમાં રહેતા પ્રેમીએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. પ્રેમી પણ ફરાર થઈ ગયો હતો.
બે વર્ષ પહેલાં યુવતીને યુવક ભગાડીને લઈ આવ્યો હતો. બંને બે વર્ષથી લિવ-ઈનમાં રહેતાં હતાં અને હાલ આ બંનેને સંતાનમાં એક બાળકી પણ છે. યુવક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજે સવારે યુવતી જ્યાં રહેતી હતી ત્યાં રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. તેનો પ્રેમી પણ હાજર નહોતો. યુવતીના ઘર પાસે લોકોનું ટોળું હોવાથી તેના સંબંધી ત્યાં જોવા માટે ગયા હતા. દરમિયાન તે બેભાન હાલતમાં હતી અને તેના ગળા પર નખ વાગ્યા હોય એવાં ઈજાનાં નિશાન પણ હતાં. ત્યાર બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કરી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.