સુરતના ભટાર ફ્લાય ઓવરબ્રિજના એપ્રોચ પર 5 ફૂટ ઊંડું ગાબડું પડ્યું…

સુરતઃ શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકેની પણ છે. આ દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. સુરતના ભટાર ફ્લાય ઓવરબ્રિજના એપ્રોચ પર 5 ફૂટ ઊંડું ગાબડું પડ્યું હતું. આ ગાબડું એટલું મોટું છે કે તેમાંથી બ્રિજની નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાય છે, છતાં કલાકો સુધી પાલિકાના અધિકારીઓ ત્યાં ફરક્યા નહોતા.
ભટાર ફ્લાય ઓવરબ્રિજ યુનિવર્સિટી રોડ અને ઉધના તરફના ટ્રાફિક માટે જીવાદોરી સમાન છે. આ લાઇફ લાઇન પર બપોર બાદ અચાનક એપ્રોચના ભાગમાં ગાબડું પડ્યું હતું. આ ગાબડાની બરાબર બાજુમાં એપ્રોચના ભાગમાં મોટી અને ગંભીર તિરાડ પણ જોવા મળી હતી.
ભારે ટ્રાફિકથી ધમધમતા આ બ્રિજ પર આટલું મોટું ગાબડું પડ્યાના કલાકો બાદ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ઘટનાસ્થળે કોઈ પણ પ્રકારનું બેરીકેડિંગ કરવામાં આવ્યું નહોતું. જેના કારણે સતત વાહન વ્યવહાર ચાલુ રહ્યો હતો.પસાર થતા નાગરિકો અને વાહનચાલકોએ પાલિકાની આ નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ પાલિકા તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બ્રિજને વર્તમાન ટ્રાફિક માટે બંધ કરીને સમારકામની કામગીરી શરૂ કરે તેવી માંગણી કરી હતી.
વડોદરા કે અન્ય શહેરોમાં બ્રિજની દુર્ઘટનાઓનું ઉદાહરણ તાજું છે ત્યાં સુરતમાં પણ બ્રિજ દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
આ પણ વાંચો…સુરત બુલેટ ટ્રેનની સાઈટની ભારત અને જાપાનના પ્રધાને અચાનક લીધી મુલાકાત, જાણો શું કહ્યું?