BREAKING: હજીરાની કંપનીમાં ભીષણ આગ, 4 કર્મચારીઓના મૃત્યુ
સુરત: સુરતના હજીરા ખાતેની એક AMNS કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટનાને પગલે ભારે ભાગદોડ મચી જવા પામી છે. આ ઘટનામાં ચાર જેટલા કર્મચારીઓના મૃત્યુ નિપજ્યાં હોવાની આશંકા સેવાઇ રહી છે. કોરેક્સ-2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા પછી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે, આગના કારણે કર્મચારીઓ લિફ્ટમાં ફસાયા હોવાની વિગતો મળી રહી છે.
ઘટનામાં ચાર કર્મચારીઓના મૃત્યુ હાલ મળી રહેલી વિગતો અનુસાર સુરતના હજીરા ખાતે આવેલી AMNS કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં સાંજના સમયે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. અને આ ઘટનામાં ચાર જેટલા કર્મચારીઓના મૃત્યુ નીપજ્યાં હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે આગની ગંભીરતા જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ઉપરાંત આગની ઘટનામાં પાંચથી વધુ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો મળી રહી છે.
Also read: ડ્રગ્સનો દરિયો : સુરતના દરિયાકાંઠેથી ઝડપાયું 5 કરોડનું ચરસ
આગની જ્વાળાઓ લિફ્ટ સુધી પહોંચી પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીના આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ટૂ યર પ્લેટફોર્મ પર આગ ભભૂકી ઉઠી હતી અને આગની જ્વાળાઓ ઝડપથી ફેલાઇને લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી. જેમાં ફસાયેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે આગની ઘટનાની જાણ થતાંની સાથે જ સુરતની હજીરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ પોલીસ આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે. વર્ષ 2024ના અંતિમ દિવસે જ સર્જાયેલી કરૂણ ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી છે.