
સુરતઃ શહેરના એરપોર્ટ પરથી સીઆઈએસએફના જવાનોએ દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી 28 કિલોગ્રામ સોનાની પેસ્ટ જપ્ત કરી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ આઈએકસ-174થી તે સુરત આવ્યો હતો.
એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફના જવાનોને બે મુસાફરોનું વર્તન અસામાન્ય લાગ્યું હતું. બંનેની શંકાસ્પદ ગતિવિધિ જોઈને તેમની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. કસ્ટમ ઓફિસરને બોલાવીને તેમની અંગજડતી કરવામાં આવી હતી.
આ દરમિયાન તેણે સોનાની પેસ્ટ શરીરના વિવિધ અંગો પર ચોંટાડી હોવાનો ખુલાસો થયો હતો. જપ્ત કરવામાં આવેલી સોનાની પેસ્ટનું કુલ વજન 28 કિલોગ્રામ હતું, જેમાં આશરે 23 કિલોગ્રામ સોનું હતું. કસ્ટમ ડિપાર્ટમેન્ટે આ પાછળ કોઈ ટોળકી સક્રિય છે કે નહીં તેની તપાસ શરૂ કરી હતી.