સુરતની કોલેજમાં સ્પીચ આપતી 24 વર્ષની અમદાવાદની યુવતી ઢળી પડી, હાર્ટ એટેકથી મૃત્યુ

સુરત: ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ વચ્ચે સુરતની કાપોદ્રા વિસ્તારની એક કોલેજમાં ગમખ્વાર ઘટના સામે આવી છે. અમદાવાદના રાયપુર વિસ્તારની વતની જીલ ઠક્કર (ઉં.વ. 24) નામની યુવતી ધરૂકાવાળા કોલેજમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્ટેજ પર વક્તવ્ય આપી રહી હતી, ત્યારે અચાનક તે ઢળી પડી હતી અને બેભાન થઈ ગઈ હતી. પ્રાથમિક રીતે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે રાજ્યમાં યુવાનોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધારી રહ્યા છે.
આઇટી કંપનીના આ સેમિનારમાં હાજર લોકોએ યુવતીને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ફરજ પરના તબીબોએ જીલને મૃત જાહેર કરી હતી. કાર્યક્રમની વચ્ચે આ યુવતીના અચાનક ઢળી પડવાથી કોલેજ કેમ્પસમાં ગભરાટ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. યુવતીના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
https://youtube.com/shorts/11ueB24DUxU
કાપોદ્રા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જીલ ઠક્કર અમદાવાદની એક આઇટી કંપનીમાં કામ કરતી હતી, જેણે કોલેજમાં આ સેમિનારનું આયોજન કર્યું હતું. યુવતી અમદાવાદથી ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવા સુરત આવી હતી. હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જેના રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. જોકે, હાલમાં હાર્ટ એટેકને જ મૃત્યુનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.
આપણ વાંચો: ભવ્ય લગ્ન કરીન સોશિયલ મીડિયા પર ફોટા-પોસ્ટ મૂક્યાં તો ઈન્કમ ટેક્સની ઝપટે ચડી જશો



