મુંબઈથી વાપી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા 2 નાઈજિરિયન ઝડપાયા
એક તો ગત મહિને જ જેલમાંથી બહાર આવ્યો હતો

સુરતઃ ગુજરાતમાં ડ્રગ્સની તસ્કરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. પોલીસના પ્રયાસોથી ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ડ્રગ ટ્રાફિકિંગના 1743 કેસ નોંધાયા છે. પરંતુ, તેની સામે માત્ર 16 દોષિત પુરવાર થયાનું બહાર આવ્યું છે. આ દરમિયાન વાપીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરીને 1.26 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે નાઈજિરિયાના બે નાગરિકોની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ મુંબઈથી ગુજરાતના વાપીમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા.
વાપી નજીક કરમબેલા ને.હા.48નાં ઓવર બ્રીજ નીચે મુંબઈ નાં પેડલર દ્વારા ડ્રગ્ ની ડિલિવરી કરવાની હોવાથી બાતમી ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલ મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી. બાતમી વાળી મુંબઈથી ટ્રાન્સપોર્ટની ભાડાની કાર આવતાં તેને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કોર્ડન કરી હતી. જે બાદ કારમાં સવાર બે નાઈજિરિયન નાગરિકોની તલાશી લેતાં પ્લાસ્ટિકની થેલીમાંથી 250 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. બંનેની ઓળખ કેલીચીકુ ફ્રાંસિસ અને અકીમવાનમી ડેવિડ તરીકે થઈ હતી.
ડ્રગનો જથ્થો કયા પ્રકારનો છે તે જાણવા એફએસએલની ટીમની મદદ લેવામાં આવી હતી.જેમાં ડ્રગ્સ મેથાએમ ફેટામાઈન હોવાનુ ખૂલ્યું હતું. જેની બજાર કિંમત 1.26 કરોડ જેટલી છે. સ્ટેટ મોનિટરીંગ ટીમ દ્વારા ઝડપાયેલા બે નાઈજિરિયનની પૂછપરછમાં એમડી ડ્રગ્સ જવામાં મુંબઈનાં પેડલર દ્વારા આપવામાં આવ્યું હોવાનુ બહાર આવ્યું હતું. તેઓ તેને ચાચુ કહીને બોલાવતા હતા. તેના નિર્દેશ પર તેઓ ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા.
આ પણ વાંચો…અમદાવાદથી ધોલેરા માત્ર ૫૦ મિનિટમાં પહોંચી શકાશે, જાણો ક્યારે કામગીરી થશે પૂર્ણ
આરોપી પહેલા પણ પકડાઈ ચુક્યો છે
પકડાયેલો આરોપી કેલીચીકુ ફ્રાંસિસ પહેલા પણ 2022માં એનડીપીએસ એક્ટમાં પકડાયો હતો. તે જાન્યુઆરી 2025માં જેલમાંથી બહાર આવ્યો હતો અને ફરી પાછો આ ગોરખધંધામાં સામેલ થઈ ગયો હતો. પોલીસે હવે આ ટોળકીના અન્ય સભ્યોમાં કોણ કોણ છે, ડ્રગ્સ કોને કોને આપતા હતા તેની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. પરંતુ હવે રાજ્યની અંદર સીધા જ થતાં ડ્રગ્સ સપ્લાય પર નજર રાખી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલને પોલીસ સ્ટેશનનો કાયમી દરજજો મળ્યા બાદ વિદેશી તસ્કરો પાસેથી ડ્રગ્સ પકડાયાનો આ બીજો મામલો છે. ગત મહિને એસએમસીએ એક નાઈજિરિયન મહિલાને 1.50 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી.
ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ 2022 માં 516, વર્ષ 2023માં 604 જ્યારે વર્ષ 2024માં 623 કેસ નોંધાયા હતા. જેની સામે દોષિતોનું પ્રમાણ ઓછું છે. વર્ષ 2022 માં 2, વર્ષ 2023માં 11 અને વર્ષ 2024માં 5 દોષિત પુરવાર થયાનું જાણવા મળ્યું હતું.