ગુજરાતમાં ભાજપના વધુ એક નેતાએ જાહેર માર્ગ પર બર્થ ડે સેલિબ્રેશન કર્યું | મુંબઈ સમાચાર
નવસારી

ગુજરાતમાં ભાજપના વધુ એક નેતાએ જાહેર માર્ગ પર બર્થ ડે સેલિબ્રેશન કર્યું

નવસારીઃ ગુજરાતમાં ભાજપના વધુ એક નેતાનો જાહેર માર્ગ પર બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થયો હતો. રાજ્યમાં અસામાજિક તત્ત્વો દ્વારા રોડ પર કેક કાપવી, ફટાકડા ફોડવા અને ‘તાયફા’ કરવાના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. જોકે, પોલીસ આવા કૃત્યો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીને તેમને ઝડપી પાડે છે અને સોશિયલ મીડિયા પર તેમના ‘બિફોર-આફ્ટર’ વીડિયો મૂકી માફી પણ મંગાવે છે.પરંતુ, હવે આ ગેરકાયદેસર ઉજવણીનો ‘વાયરસ’ રાજકીય નેતાઓને પણ લાગી ગયો હોય તેમ જણાય છે. નવસારી ભાજપ યુવા મોર્ચના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે સોનુએ જાહેર માર્ગ પર જન્મ દિવસની ઉજવણી કરી હતી. તેણે ફિલ્મી સ્ટાઈલમાં કારમાંથી એન્ટ્રી લીધી હતી. ઉપરાંત સમર્થકોની હાજરીમાં કેક કટિંગ પણ કર્યું હતું.

ભાજપના નેતા દ્વારા જ કાયદાના ધજાગરા કરવામાં આવતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ વાયરલ વીડિયો મુદ્દે, પોલીસે કહ્યું, ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને વીડિયોની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખે CM-પાટીલના ફોટા મૂકી રસ્તા પર બર્થ-ડે ઉજવ્યો…

થોડા દિવસ પહેલા શહેરના ભાજપ વોર્ડ નં. 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધના વિસ્તારમાં ધામધૂમથી ઊજવ્યો હતો. આ ઉજવણી ઉધનામાં આવેલી સાંઇબાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર કરવામાં આવી હતી. આ ઉજવણીમાં તેમણે કેક કાપી હતી, જેના પર મુખ્ય પ્રધાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ફોટો પણ હતો. વોર્ડ પ્રમુખના સમર્થકોએ જાહેર માર્ગ પર ફટાકડા ફોડ્યા હતા અને રસ્તા પર ઉજવણી કરીને આખા રોડને જાણે બાનમાં લીધો હતો. જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં ખેરનારે પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરીને જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો.

આ ઉપરાંત સુરતના લિંબાયત વિસ્તારના ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત દ્વારા જાહેરમાં પોતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button