Navsari કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી હળદરની ત્રણ નવી જાતો, 40 ટન સુધી ઉત્પાદન મળશે…

અમદાવાદઃ ગુજરાતની નવસારી(Navsari) કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હળદરની ત્રણ નવી જાતો વિકસાવી છે. આ નવી જાતોની માહિતી આપવા યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ ગુજરાત નવસારી હળદર-2, ગુજરાત નવસારી હળદર-3 અને ગુજરાત નવસારી હળદર-4 એમ ત્રણ નવી જાતો વિકસાવી છે. આ જાતોની ખાસ વિશેષતા એ છે કે તેમાં ઓછા સમયમાં વધુ ઉત્પાદન મળે છે. માત્ર 170 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે.
પાવડર અને સલાડ બંને માટે ઉપયોગી
નવી જાતોમાં હળદર-2 પ્રતિ હેક્ટરે 32-35 ટન, હળદર-3 પ્રતિ હેક્ટરે 28-30 ટન અને હળદર-4 પ્રતિ હેક્ટરે 38-40 ટન જેટલું ઉત્પાદન આપે છે. હળદર-2 પાવડર માટે શ્રેષ્ઠ છે, જ્યારે હળદર-3 પાવડર અને સલાડ બંને માટે ઉપયોગી છે.
આ પણ વાંચો : Gujarat વહીવટી સુધારણા પંચની વેબસાઈટ લોન્ચ, પ્રથમ ભલામણ અહેવાલ સરકારને સોંપાયો
ઓછા સમયમાં સારું ઉત્પાદન મળશે
પરંપરાગત હળદરમાં જોવા મળતો ટપકા રોગ આ નવી જાતોમાં જોવા મળતો નથી. વળી, આ હળદરની નવી જાતોમાં પાણીની જરૂરિયાત પણ ઓછી છે. નવી જાતોથી ઓછા સમયમાં સારું ઉત્પાદન મળશે અને ખેડૂતોને આર્થિક ફાયદો થશે.