નવસારીમાં ભાજપના બે દિગ્ગજો વચ્ચે જંગ, ધારાસભ્યે શહેર પ્રમુખને શું કહી દીધું ?

નવસારીઃ ગુજરાત ભાજપમાં ધારાસભ્યોના વિવાદ સમયાંતરે સામે આવતા રહે છે.નવસારીના જલાલપોરના ધારાસભ્ય આર સી પટેલનું ફરી વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તમે નવસારીની ચિંતા કરો, અમે અમારા વિજલપોરનું ફોડી લઈશું. વિજલપોર વિસ્તારમાં પ્રાચીન શ્રી મઠપુરી માતાજી મંદિર પાસે એક વર્તુળમાં ભારતના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા માટેના શિલાન્યાસ સમારોહમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
પોતાના ભાષણ દરમિયાન, આર.સી. પટેલે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પર કટાક્ષ કરતા અને તેમને કડક શબ્દોમાં ઠપકો આપતા અનેક વાતો કરી હતી. તેમણે કહ્યું, આશાપુરી માતા સ્ક્વેરનું નામ નવસારીના પ્રખ્યાત શ્રી આશાપુરી માતાજીના નામ પર જ રાખવું જોઈએ. મહારાણા પ્રતાપની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવશે અને તેઓ તમને અંદર જવા દેશે નહીં. અહીં સામે જ શિવાજી મહારાજની પ્રતિમા છે.
તેમણે વિજલપોરમાં પોતાના વર્ચસ્વનો સંકેત આપતા જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહને કહ્યું, “તમે નવસારીની ચિંતા કરો, અમે અમારા વિજલપોરનું ફોડી લઈશું.”
આર.સી. પટેલના આ નિવેદન પર ભાજપ સંગઠને પણ નારાજગી વ્યક્ત કરી હતી. જાહેર મંચ પરથી આર.સી. પટેલના આ પ્રકારના નિવેદનોએ વારંવાર ચર્ચા જગાવી છે.
ભાજપ સંગઠન તેમને આખા બોલા સ્વભાવના હોવાથી તેઓ જે હોય તે બોલી નાખે છે એવું કહીને વાતને વાળવાનો પ્રયાસ કરે છે. જોકે તેમના તાજેતરના નિવેદન પર કોઈ પગલા લેવામાં આવે છે કે નહીં તેના પર નજર રહેશે.



