નવસારી જિલ્લામાં ખેડૂતના અપહરણ અને ખંડણીના કિસ્સામાં 6 આરોપી ઝડપાયા
નવસારીઃ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીમાં એક ખેડૂતનું અપહરણ કરીને 1 કરોડની ખંડણીની માંગ કરવામાં આવી હતી. આરોપીએ ખેડૂતના પરિવાર પાસેથી 10 તોલા સોનું, 30,000 રૂપિયા રોકડા અને આઈફોન 13 પ્રો લીધા બાદ ખેડૂતને છોડી દેવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. જોકે, આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ઘરીને 24 કલાકમાં તમામ આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પોતાના જ ગામના એક વ્યક્તિએ ગણદેવીના ખેડૂત મુસેજી ઈસ્માઈલ તાઈને જમીન ખરીદવાના વાયદા સાથે મળવા બોલાવ્યો હતો. જ્યારે ખેડૂતો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તે વ્યક્તિ અને તેના સાથીદારોએ બંદૂક અને પિસ્તોલની અણીએ ખેડૂતનું અપહરણ કર્યું હતું.
આ પણ વાંચો: પ્રેમિકાએ બ્લેકમેલ કરતાં એન્જિનિયર મામાએ ડિમાન્ડ પૂરી કરવા ભાણેજનું અપહરણ કરી રચ્ચો ખતરનાક કાંડ
મળતી માહિતી અનુસાર પહેલા આરોપીઓએ કહ્યું હતું કે તેમને 1 કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. ત્યાર બાદ આરોપી દ્વારા ખેડૂતના પરિવારને ફોન કરીને ધમકી આપી અને ખંડણીની માંગણી કરવામાં આવી હતી.
ખેડૂતના મિત્રએ પરિવાર પાસેથી રૂ. 30,000 રોકડા, રુપિયા 7 લાખના દાગીના અને આઇફોન 13 પ્રો લીધો અને આરોપીને સોંપ્યો. આરોપીઓ ઓડી કારમાં આવ્યા અને ખંડણીની રકમ લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ નવસારી પોલીસે તપાસ હાથ ધરી અને આ મામલાને ગંભીરતાથી લઈને ત્રણ ટીમો બનાવી હતી. પોલીસે 24 કલાકમાં તમામ 6 આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: રાજકોટના ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 24 વર્ષે ચુકાદો; તમામ આરોપીઓ નિર્દોષ છૂટયા
ઝડપાયેલા બે આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં પોલીસે 10 તોલા સોનું અને રોકડ કબજામાં લીધી છે. વધુ તપાસ કરતા ઘટનામાં કોણી કોણી સંડોવણી હોઈ શકે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે 24 કલાકની અંદર તમામ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.