વરસાદ વેરી બન્યોઃ નવસારી જિલ્લાના 355 ગામની ખેતીને ભારે અસરઃ સરકારી મદદની આશા…

અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદ વેરી બન્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ નવરાત્રીથી સમયાંતરે વરસાદી માહોલ જામ્યા કરે છે અને માત્ર એકાદ બે ઝાંપટા નહીં પણ સાંબેલાધાર વરસાદ વરસે છે, જેથી જનજીવન પર અસર થઈ છે અને સાથે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. માત્ર નવસારી જિલ્લામાં જ 15,000 કરતા વધારે ખેડૂતની ખેતીને નુકસાન થયું હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.
પ્રધાનોએ લીધે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
આજરોજ આ બાબતને અનુલક્ષીને આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ મગનભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડ્યન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીતના ઉપસ્થિતીમા નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીમાં યોજાઇ હતી.
બેઠકમાં મંત્રીઓએ જિલ્લામાં થયેલા નુકશાન, કાપણી કર્યા બાદ ખેતરમા સુકાવેલ પાક, તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યાર બાદ સ્થળ ઉપર જઇ કરવામાં આવેલ સર્વે અંગે, તથા નુકસાની અંગે સંકલીત રીપોર્ટ કરવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. બન્ને મંત્રીઓએ કોઇ પણ ખેડૂત સહાયમાંથી બાકાત ન રહે તથા સર્વેનો રીપોર્ટ સુયોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
સર્વેની બાબતમા તેમણે ખાસ જણાવ્યું કે, ફિલ્ડમા સર્વે માટે જતી વખતે ખેડૂતોની સાથે લાગણીસભર વ્યવહાર થાય. તથા આગામી ૩૧મી ઓક્ટોબર સુધી હજી પણ વરસાદની આગાહી છે તો સર્વે કરતી વખતે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
વધુમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહાય માટે હાથ લંબાવતા નથી. પરંતુ આ વખતે એક આફત સમાન આ કમોસમી વરસાદએ ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે આવા સમયે સરકાર અને વહિવટી તંત્ર ખેડૂતોની પડખે જ છે એમ લાગણી ભર્યો ઉદગાર વ્યક્ત કર્યો હતો.
355 ગામને ભારે નુકસાન
સરકારે આપેલી પ્રાથમિક આંકડાકિય માહિતી અનુસાર સમગ્ર નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ-૩૫૫ ગામોમાં નોંધપાત્ર નૂકસાની જોવા મળી છે. જેમાં ૧૫,૨૯૫ ખેડૂતોને જિલ્લાના કુલ વાવેતર પૈકી ૧૮,૩૦૯ હેક્ટર વિસ્તારમા નુકસાની નોંધાઇ છે.
નોંધનીય છે કે, જિલ્લામાં ખાસ કરીને મુખ્ય ડાંગર પાકને વધુ નુકસાન થયુ છે અને શાકભાજી પાકને પણ વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયુ છે. જિલ્લાનો વાવેતર વિસ્તાર કુલ-૪૫,૮૨૯ હેક્ટર છે, જેમાંથી ૧૬,૮૪૧ હેકટર વાવેતર વિસ્તાર કાપણી પૂર્ણ થયેલો વિસ્તાર અને ૨૮,૭૭૯ વાવેતર વિસ્તાર કાપણી બાકી હોય તેવો વિસ્તાર છે એમ જાણકારી આપી હતી.



