નર્મદા ડેમની જળસપાટી 131 મીટરને પારઃ 5 દરવાજા ખોલ્યા, જિલ્લાના ગામોને એલર્ટ કરાયા…

કેવડીયા કોલોનીઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારાને પગલે 31 જુલાઇના રોજ સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમની જળસપાટી 131 મીટરને પાર થઈ ગઈ હતી. 12 કલાકમાં 1.5 મીટરનો વધારો થયો હતો. ડેમ ઓવરફ્લોથી માત્ર 7 મીટર દૂર છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જ્યારે ડેમની જળસપાટીમાં વધારો થવાથી જિલ્લાના ગામોને પણ સતર્ક કરાયા છે.
70 ટકાથી વધુ ભરાયો ડેમ
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતાં વધુ ભરાઈ ગયો હતો, જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો હતો. તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયાં હતા.
ભારે વરસાદથી વધી સપાટી
સરદાર સરોવરના ઉપરવાસના કેચેમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદના કારણે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો હતો. ઉપરવાસથી સતત આવતા પાણીના પ્રવાહને કારણે જ ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ પ્રથમ તબક્કામાં 50,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે.
સારા ચોમાસાના સ્પષ્ટ સંકેત
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત થઈ રહેલો વધારો ચાલુ વર્ષે સારા ચોમાસાના સ્પષ્ટ સંકેત છે. ગુજરાતના ખેડૂતો અને રાજ્યની પીવાના પાણીની જરૂરિયાત માટે આ એક આશાસ્પદ સ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. ડેમની જળસપાટી પર તંત્ર દ્વારા સતત અને કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સપાટીમાં વધારો ગુજરાતના કૃષિ ક્ષેત્ર અને પાણી પુરવઠા માટે અત્યંત મહત્ત્વનો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં મેઘરાજાએ લીધો વિરામ! છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી